ચેન્નાઈ, 26 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની 7મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમો સામસામે છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ચેન્નાઈની ટીમે 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
શિવમ દુબેએ તોફાની ફિફ્ટી ફટકારી હતી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ટીમ માટે શિવમ દુબેએ 23 બોલમાં સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. તેના સિવાય રચિન રવિન્દ્ર 20 બોલમાં 46 રન બનાવીને રાશિદ ખાનના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો.
કેપ્ટન ગાયકવાડ 46 રન બનાવીને આઉટ થયો
જ્યારે કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ 46 રન બનાવીને સ્પેન્સર જોન્સનના બોલ પર કેચ આઉટ થયો હતો. બીજી તરફ ગુજરાતની ટીમ તરફથી સ્પિનર રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. સાઈ કિશોર, મોહિત શર્મા અને સ્પેન્સર જોન્સનને 1-1 સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ટીમનું સુકાન શુભમન ગિલ અને ચેન્નાઈની ટીમનું સુકાન ઋતુરાજ ગાયકવાડ સંભાળી રહ્યા છે. બંને પહેલીવાર IPLમાં કેપ્ટનશીપ કરી રહ્યા છે. ગત વખતે ચેન્નાઈએ ફાઇનલમાં ગુજરાતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.