ચેન્નાઈ, 26 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની 7મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમો સામસામે છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની ટીમનું સુકાન શુભમન ગિલ અને ચેન્નાઈની ટીમનું સુકાન ઋતુરાજ ગાયકવાડ સંભાળી રહ્યા છે. બંને પહેલીવાર IPLમાં કેપ્ટનશીપ કરી રહ્યા છે. ગત વખતે ચેન્નાઈએ ફાઇનલમાં ગુજરાતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ટક્કર
ગુજરાતની ટીમે 2022ની સિઝનમાં IPLમાં પ્રવેશ કર્યો હતો. ત્યારપછી તેણે હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ પહેલી જ સિઝન જીતી હતી. જ્યારે બીજી સીઝન એટલે કે 2023માં ગુજરાતને ચેન્નાઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધી બંને ટીમો 5 વખત આમને-સામને આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે 3 મેચ અને ચેન્નાઈએ 2 મેચ જીતી છે.
CSK ને ગુજરાત સામે જીતની હેટ્રિકનો મોકો
IPLમાં પ્રવેશ્યા બાદ ગુજરાતની ટીમે ચેન્નાઈની ટીમને પ્રથમ 3 મેચમાં કારમી હાર આપી હતી. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની આ CSK ટીમે જોરદાર વાપસી કરી હતી.પ્રથમ 3 મેચ હાર્યા બાદ તેણે સતત 3 મેચમાં ગુજરાતને હરાવ્યું છે. હવે આ મેચ જીતીને CSKની ટીમ ગુજરાત સામે જીતની હેટ્રિક લગાવવા માંગશે.
આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ-11
ચેન્નાઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરેલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે.
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, આર સાઈ કિશોર, મોહિત શર્મા અને સ્પેન્સર જોન્સન.