IPL 2024: દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે કરાયો સસ્પેન્ડ
નવી દિલ્હી, 11 મે : IPL-2024માં દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ધીમી ઓવર રેટ માટે તેને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હીએ 7 મેના રોજ તેના હોમ સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું હતું અને આ મેચમાં પંત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. દિલ્હીએ સંપૂર્ણ 20 ઓવર નાખવા માટે નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ વધુ સમય લીધો હતો.
ત્રીજી વખત ગુનો કર્યો
આ પહેલીવાર નથી જ્યારે દિલ્હીને ધીમો ઓવર રેટને લઇ દંડ ભરવો પડ્યો હોય, આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીએ આવું કર્યું છે અને તેથી જ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પંતને ભારે દંડ સાથે એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો ટીમના ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. પ્લેઇંગ-11માં સામેલ ટીમના તમામ ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે. આમાં ઇમ્પેક્ટ પ્લેયર્સનો પણ સમાવેશ થાય છે.
દિલ્હીએ અપીલ કરી હતી
પંત અને ટીમને બચાવવા માટે દિલ્હી કેપિટલ્સે રેફરીના આ નિર્ણય સામે અપીલ કરી હતી. પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. દિલ્હીની અપીલ બીસીસીઆઈ લોકપાલને પણ મોકલવામાં આવી હતી. લોકપાલે સુનાવણી હાથ ધરી અને પછી કહ્યું કે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે. દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાં છે અને તેને આગલા રાઉન્ડમાં જવા માટે તેની બંને મેચ જીતવી પડશે, પરંતુ આગામી મેચમાં પંતની ગેરહાજરી આ ટીમ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. દિલ્હીની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.