- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- ભારતના બે દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને-સામને
- મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખતની IPLની ચેમ્પિયન
IPLની પાંચમી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તિલક વર્માના અણનમ 84 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા.
તિલક વર્માએ મુંબઈને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું
ડાબોડી બેટ્સમેન તિલક વર્માએ 46 બોલમાં અણનમ 84 રન ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. મુંબઈની વિકેટ એક છેડેથી સતત પડી રહી હતી અને તિલક બીજા છેડેથી સતત રન બનાવી રહ્યો હતો. તેણે ઇનિંગના છેલ્લા બોલ પર હર્ષલ પટેલને સિક્સર ફટકારી હતી. તેની ઇનિંગની મદદથી મુંબઈએ 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. આરસીબીને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો છે.
20 રનથી સંભાળી હતી ટીમની પારી
તિલકે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 5.2 ઓવરમાં ત્રણ વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 20 રન હતો. ત્યાંથી તેણે મુંબઈને 170 રનથી આગળ લઈ ગયા. તિલકે સૂર્યકુમાર યાદવ સાથે ચોથી વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. આ પછી તેણે નિહાલ બધેરા સાથે પાંચમી વિકેટ માટે 30 બોલમાં 50 રન જોડ્યા. ત્યારબાદ તેણે અરશદ ખાન સાથે સાતમી વિકેટ માટે 18 બોલમાં અણનમ 48 રનની ભાગીદારી કરી હતી.
અડધો અડધ ટીમ ડબલ ડીઝીટ ન પહોંચી
મુંબઈના નવમાંથી ચાર બેટ્સમેન દહાઈના આંકડાને સ્પર્શી શક્યા ન હતા. કેમરૂન ગ્રીન અને રિતિક શોકીન પાંચ-પાંચ રન બનાવીને આઉટ થયા હતા. ટિમ ડેવિડે ચાર અને કેપ્ટન રોહિત શર્માએ 10 બોલમાં એક રન બનાવ્યો હતો. રોહિત IPLની સતત 15મી ઇનિંગમાં અડધી સદી ફટકારી શક્યો ન હતો. નિહાલ બધેરાએ 13 બોલમાં 21, સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 15, ઈશાન કિશને 13 બોલમાં 10 અને અરશદ ખાને નવ બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી કર્ણ શર્માએ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ, રીસ ટેપલી, આકાશ દીપ અને માઈકલ બ્રેસવેલે એક-એક વિકેટ લીધી હતી.