IPL 2023: ઋષભ પંતના સ્થાને આ ખેલાડી બન્યો દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન
દિલ્હી કેપિટલ્સ ટીમે IPL 2023 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના ડેશિંગ ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઋષભ પંત ઈજાને કારણે હાલની સીઝનમાં ભાગ લઈ શકશે નહી એટલે તેની જગ્યાએ વોર્નર દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે.
ડેવિડ વોર્નર દિલ્હીની કેપ્ટનશીપ કરશે
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ બાદ હવે ડેવિડ વોર્નર દિલ્હીની કેપ્ટનશીપ કરશે. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં જ સનરાઈઝર્સ ટીમે વર્ષ 2016માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ત્યારે હવે વોર્નર ફરી એકવાર દિલ્હી કેપિટલ્સને પોતાના નેતૃત્વમાં સફળ બનાવવા પ્રયાસ કરશે.
દિલ્હી કેપિટલ્સે નવા વાઇસ કેપ્ટનના નામની પણ કરી જાહેરાત
માત્ર કેપ્ટનશિપમાં જ નહીં પરંતુ દિલ્હી કેપિટલ્સે તેમના નવા વાઇસ કેપ્ટનના નામની પણ જાહેરાત કરી છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોર્નરની ગેરહાજરીમાં અક્ષર પટેલ ટીમની કમાન સંભાળશે.
રિષભ પંતને સ્વસ્થ થવામાં સમય લાગતા લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સના નિયમિત કેપ્ટન રિષભ પંત ગયા વર્ષે 31 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. જો કે હવે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં લગભગ 7 થી 8 મહિનાનો સમય લાગી શકે છે. જેતી તે માત્ર ટીમ ઈન્ડિયા માટે જ નહીં પરંતુ આઈપીએલમાં તેની ટીમ દિલ્હી કેપિટલ્સ માટે પણ નથી રમી શકતો. આ કારણે તેની જગ્યાએ ડેવિડ વોર્નરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પર અમિત ચાવડાનું નિવેદન, “સરકારને ઉમેદવારની વેદના 27 વર્ષે સમજાઈ”