- કાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મુકાબલો
- ગુજરાતના નેહરા, બેંગ્લોરના સંજય બાંગર તથા કોલકત્તાના ચંદ્રકાંત પંડિત ઉપર તમામની નજર રહેશે
- પ્રત્યેક કોચ રણનીતિ તૈયાર કરીને પોતપોતાની ફ્રેન્ચાઇઝીઓને ચેમ્પિયન બનાવવાના તમામ કરશે પ્રયાસ
IPL 2023ને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. કાલે 2022ના ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને અગાઉ ચાર વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મુકાબલો અમદાવાદ ખાતે રમાશે. આવતીકાલે મેચ પહેલાં ઓપનિંગ સેરેમની પણ યોજાશે. જેમ આઇપીએલમાં મેદાનની અંદર ખેલાડીઓની બોલબાલા હોય છે તેમ બહાર પણ સ્ટાર ખેલાડીઓની બોલબાલા રહી છે.ની બહા મેદાનર પણ દસ ટીમના હેડ કોચની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગતી હોય છે. રસપ્રદ બાબત એ પણ છે કે તમામ ટીમના સહાયક સ્ટાફના વિવિધ કોચ 2008માં રમાયેલી આઇપીએલની પ્રથમ સિઝનમાં પણ રમી ચૂક્યા છે. પ્રત્યેક કોચ રણનીતિ તૈયાર કરીને પોતપોતાની ફ્રેન્ચાઇઝીઓને ચેમ્પિયન બનાવવાના તમામ પ્રયાસ કરશે.
કોણ છે તમામ 10 ટીમના કોચ, તેમના ઉપર કરીએ એક નજર
સ્ટેફન ફ્લેમિંગ (ચેન્નઇ સુપર કિંગ્સ)
ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ સુકાની ફ્લેમિંગ સીએસકે સાથે પ્લેયર તથા કોચ તરીકે જોડાયેલો છે. 2009માં કોચ તરીકેની વરણી થયા બાદ તેના કોચિંગ હેઠળ ચેન્નઇની ટીમ ચાર વખત ચેમ્પિયન બની છે. સીએસકેની ટીમ બે વર્ષ માટે સસ્પેન્ડ થઇ ત્યારે તેણે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ ટીમનું કોચિંગ કર્યું હતું. આઇપીએલમાં બેસ્ટ કોચ તરીકેની ગણના થાય છે.
બ્રાયન લારા (સનરાઇઝર્સ હૈદરાબાદ)
ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં સામેલ વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાને સનરાઇઝર્સ હૈદરાબાદે હેડ કોચ તરીકેની વરણી કરી છે અને તે ટોમ મૂડીનું સ્થાન લેશે. લારાએ અગાઉ હૈદરાબાદ માટે સલાહકાર તથા બેટિંગ કોચ તરીકેની ભૂમિકા પણ અદા કરી હતી. લારા આઇપીએલમાં ક્યારેય રમ્યો નથી પરંતુ તે 16મી સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવાના તમામ પ્રયાસ કરશે.
માર્ક બાઉચર (મુંબઇ ઇન્ડિયન્સ)
46 વર્ષીય સાઉથ આફ્રિકન ક્રિકેટર બાઉચરને 2023ની સિઝનમાં હેડ કોચ બનાવવામાં આવ્યો છે. મહેલા જયવર્દનેને ક્રિકેટ ડાયરેક્ટર બનાવવામાં આવતા બાઉચરને નવી ભૂમિકા સોંપવામાં આવી છે. બાઉચરે 2016માં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે વિકેટકીપિંગ કોચ તરીકેની ફરજ અદા કરી હતી. તે કોલકાતા તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પણ આઇપીએલમાં રમ્યો હતો.
રિકી પોન્ટિંગ (દિલ્હી કેપિટલ્સ)
48 વર્ષીય પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ સુકાનીમાં સામેલ છે. 2018થી તે દિલ્હીનું કોચપદ સંભાળે છે. 2019માં દિલ્હીની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. 2020માં રનર્સઅપ અને 2021માં ફરીથી ત્રીજા ક્રમે રહી હતી. દિલ્હી સાથે જોડાતા પહેલાં પોન્ટિંગે 2014થી 2016 સુધી મુંબઇનું કોચપદ સંભાળ્યું હતું અને 2015માં મુંબઇ ચેમ્પિયન બની હતી.
આશિષ નેહરા (ગુજરાત ટાઇટન્સ)
43 વર્ષીય ભારતીય ભૂતપૂર્વ પેસ બોલર આશિષ નેહરાએ 2022ની સિઝનમાં હેડલાઇનમાં સ્થાન મેળવ્યું હતું અને આઇપીએલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય હેડ કોચ હોવાની સિદ્ધિ મેળવી હતી. ગુજરાતે પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું. આઇપીએલની ઘણી ટીમો માટે નેહરા પ્લેયર તથા કોચ તરીકે જોડાયેલો રહ્યો છે. બેંગ્લોર માટે બોલિંગ કોચ પણ બન્યો હતો.
એન્ડી ફ્લાવર (લખનઉ સુપર જાયન્ટ્સ)
54 વર્ષીય ફ્લાવર ઝિમ્બાબ્વેની ગોલ્ડન જનરેશનનો ક્રિકેટર છે. 2020 અને 2021માં પંજાબ કિંગ્સ માટે સહાયક કોચ તરીકેની ભૂમિકા અદા કરી હતી. 2022માં લખનઉની ટીમે મુખ્ય કોચ બનાવ્યો છે. બેંગ્લોર સામે લખનઉની ટીમ એલિમિનેટર રાઉન્ડમાં હારી હતી. ફ્લાવર પાસે ઇંગ્લેન્ડની નેશનલ ટીમને 2010ના ટી20 વર્લ્ડ કપ જીતાડવાનો અનુભવ છે.
કુમાર સંગાકારા (રાજસ્થાન રોયલ્સ)
વિશ્વ ક્રિકેટના મહાન ડાબોડી બેટ્સમેનોમાં સ્થાન મેળવનાર 45 વર્ષીય સંગાકાર રાજસ્થાન માટે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ અને હેડ કોચ એમ બેવડી ભૂમિકા ભજવે છે. આઇપીએલની પાંચ સિઝનમાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ, સુકાની તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમવાનો અનુભવ છે. 2022ની સિઝનમાં રાજસ્થાન રનર્સ-અપ બની હતી.
ચંદ્રકાંત પંડિત (કોલકાતા નાઇટ રાઇડર્સ)
વધુ એક વિકેટકીપર બેટ્સમેન આઇપીએલ ટીમનો હેડ કોચ છે. ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં પંડિતનું મોટું નામ છે. ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમનું સ્થાન લેશે અને કોલકાતાનો પ્રથમ ભારતીય કોચ બનશે. કોલકાતાની ટીમ 2022ની સિઝનમાં સાતમા ક્રમે રહી છે. શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં પંડિતે નવા સુકાની નીતિશ રાણા સાથે સારો તાલમેલ બેસાડવો પડશે.
સંજય બાંગર (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
50 વર્ષીય ભારતના ભૂતપૂર્વ બોલિંગ ઓલરાઉન્ડર બાંગર ડેક્કન ચાર્જર્સ તથા કોલકાતા માટે આઇપીએલમાં રમી ચૂક્યો છે. 2010માં કોચિ ટસ્કર્સ માટે બેટિંગ કોચ, 2014માં કિંગ્સ ઇલેવન પંજાબના કોચ તરીકેનો અનુભવ ધરાવે છે. 2022માં બેંગ્લોરનો કોચ બન્યા બાદ તેની ટીમ ચોથા ક્રમે રહી હતી. આરસીબીને ચેમ્પિયન બનાવનાર પ્રથમ કોચ તરીકેની સિદ્ધિ મેળવી શકે છે.
ટ્રેવર બેઇલિસ (પંજાબ કિંગ્સ)
60 વર્ષીય બેઇલિસે 2012 તથા 2014માં કોલકાતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. બેઇલિસના કોચિંગ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે 2019નો વન-ડે વર્લ્ડ કપ પણ જીત્યો હતો. બેઇલિસ અનિલ કુંબલેનું સ્થાન લેશે. શિખર ધવનની કેપ્ટનશિપ હેઠળ મજબૂત જણાતી પંજાબની ટીમની ખાસ કરીને ડેથ ઓવર્સની સમસ્યા દૂર કરીને ટીમને પ્રથમ વખત ટ્રોફી સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરવાનું રહેશે.