કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દિલ્હીનો ડાબોડી બેટ્સમેન નીતિશ રાણા આ સિઝનમાં ટીમનું નેતૃત્વ કરશે. તે ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે, કોલકાતાનો નિયમિત કેપ્ટન શ્રેયસ પીઠના નીચેના ભાગે ઈજાના કારણે આ સિઝનમાં મોટાભાગની મેચો ગુમાવશે. ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં તેની વાપસીની આશા રાખે છે.
નીતિશને કેપ્ટનશિપનો અનુભવ
કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, અમને આશા છે કે શ્રેયસ અય્યર જલ્દી સ્વસ્થ થઈ જશે. તે IPLની આ આવૃત્તિમાં ભાગ લઈ શકે છે. અમે ભાગ્યશાળી છીએ કે નીતિશને કેપ્ટનશિપનો અનુભવ છે. તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં પોતાના રાજ્યનું નેતૃત્વ કરી રહ્યો છે અને 2018 થી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે છે. તે સારું કામ કરશે.
શ્રેયસ સંપૂર્ણ અને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા
ફ્રેન્ચાઇઝીએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને સપોર્ટ સ્ટાફ હેઠળ, તેને મેદાનની બહાર તમામ જરૂરી સમર્થન મળશે અને ટીમના અનુભવી ખેલાડીઓ દ્વારા પણ તેને સમર્થન મળશે. નીતિશને મેદાનમાં આની જરૂર પડી શકે છે. અમે તેને તેની નવી ભૂમિકા માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને શ્રેયસ સંપૂર્ણ અને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
સુનીલ નરેનનું નામ પણ આ યાદીમાં હતું
ઘણા મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા હતા કે નીતિશ રાણા અને અનુભવી વેસ્ટ ઈન્ડિઝ ઓલરાઉન્ડર સુનીલ નારાયણના નામ કેપ્ટનશીપ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અંતે નીતીશના નામ પર મહોર લાગી હતી. ફ્રેન્ચાઇઝી પાસે શાકિબ અલ હસન, આન્દ્રે રસેલ, ટિમ સાઉથી અને શાર્દુલ ઠાકુરના રૂપમાં પણ વિકલ્પો હતા. તમામ અનુભવીઓને અવગણીને કોલકાતા નાઈટ રાઈડર્સ મેનેજમેન્ટે યુવા નીતિશ રાણા પર દાવ લગાવ્યો છે.
પ્રથમ મેચ પંજાબ સામે થશે
IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. કોલકાતા નાઈટ રાઈડર્સની વાત કરીએ તો તેઓ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
નીતિશ 2018માં કોલકાતા સાથે જોડાયેલા હતા
નીતિશ રાણાની વાત કરીએ તો તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન 12 મેચમાંથી આઠમાં જીત અને ચારમાં હાર થઈ છે. 29 વર્ષીય નીતિશ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. ત્યારથી દરેક વખતે ફ્રેન્ચાઇઝીએ તેને જાળવી રાખ્યો છે. નીતિશે કોલકાતા માટે 74 મેચમાં 135.61ના સ્ટ્રાઈક રેટથી 1744 રન બનાવ્યા છે.