- મોહાલીમાં બીજો મેચ રમાયો
- શિખર ધવનની કેપ્ટન્સીમાં જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત
- પંજાબે પ્રથમ બેટિંગ કરતા 191 રન બનાવ્યા
- કોલકાતાની ટીમ 16 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવી શકી
IPL 2023માં આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મોહલીમાં બીજો મેચ રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સે શિખર ધવનની કેપ્ટન્સીમાં જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. પંજાબે તેમની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ સાત રનથી હરાવ્યું હતું. પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 191 રન બનાવ્યા હતા સામે જવાબમાં કોલકાતાની ટીમ 16 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવી શકી હતી અને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ સાત રનથી હારી ગઈ હતી.
વરસાદને કારણે મેચ રોકાઈ ગયો હતો
પંજાબ કિંગ્સે DLS નિયમ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને સાત રનથી હરાવ્યું છે. 192 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ 16 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ આવ્યો અને રમત શક્ય બની ન હતી. તે સમયે કોલકાતાની ટીમ સાત રનથી પાછળ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આન્દ્રે રસેલે 35 અને વેંકટેશ અય્યરે 34 રન બનાવ્યા હતા. જ્યારે નીતિશ રાણાએ 24 અને રહેમાનુલ્લા ગુરબાજે 22 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે 19 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. રાહુલ ચહર, નાથન એલિસ, સિકંદર રઝા અને સેમ કુરાને એક-એક વિકેટ લીધી હતી.