IPL-2023 આ 5 ખેલાડીઓ માટે બની શકે છે છેલ્લો શો !

IPLની 16મી સિઝન શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને 28 મે સુધી રમાશે. IPL 2023માં 10 ટીમો, 10 સ્પેશિયલ સ્ટેડિયમ અને નોન-સ્ટોપ ક્રિકેટ એક્શન હશે, પરંતુ આ દરમિયાન કેટલાક ખેલાડીઓ માટે ઓક્શનનું છેલ્લું વર્ષ હોઈ શકે છે. કિરોન પોલાર્ડ અને ડ્વેન બ્રાવો જેવા મોટા સ્ટાર્સ લીગમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે, પરંતુ 5 ભારતીય દિગ્ગજ ખેલાડીઓ છે જે આ સિઝન પછી તેમની IPL કારકિર્દીને અલવિદા કહી શકે છે.
મહેન્દ્રસિંહ ધોની
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે IPLમાંથી પણ નિવૃત્તિ લેવાના મુડમાં છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ગયા વર્ષે ધોનીએ કહ્યું હતું કે, તેની છેલ્લી મેચ ઘર આંગણે ચેપોક સ્ટેડિયમમાં ચાહકોથી ભરેલા સ્ટેડિયમમાં રમવા માંગે છે.
અંબાતી રાયડુ
અંબાતી રાયડુ પાંચ અલગ-અલગ પ્રસંગોએ ચેમ્પિયનશિપ ટીમોના સભ્ય તરીકે સામેલ થયો છે. તેને આઈપીએલના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. અંબાતી રાયડુએ 2013, 2015, 2017માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે અને 2018, 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે આઈપીએલ ટ્રોફી જીતી છે. રાયડુ હવે 37 વર્ષનો થઈ ગયો છે અને તે ઘણીવાર મેદાન પર ફિટનેસ માટે લડતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ તેની છેલ્લી IPL હોઈ શકે છે.
આ પણ વાંચો : કેનેડાના ભારતીય મિશનમાં ‘સિક્યોરિટી લેપ્સ’ પર ભારત કડક, દિલ્હીમાં હાઈ કમિશનરને સમન્સ
અમિત મિશ્રા
અમિત મિશ્રા 40 વર્ષની ઉંમરે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયા હતા. તેમને લખનઉએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અમિત મિશ્રાએ IPL 2021 સુધી કુલ 154 મેચ રમી છે, જેમાં તેણે 166 વિકેટ લીધી છે. મિશ્રા આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર છે. IPLમાં ત્રણ હેટ્રિક લેનાર તે એકમાત્ર બોલર છે. અમિત મિશ્રાને લીગનો “હેટ્રિક મેન” તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઈશાંત શર્મા
IPL 2022ની મેગા ઓક્શનમાં ઈશાંત શર્મા અનશોલ્ડ રહ્યાં હતા. ભારતીય ઝડપી બોલર 2019 અને 2021 વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો છે. 34 વર્ષીય ઈશાંત શર્મા છેલ્લા કેટલાક સમયથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં પસંદગીકારોએ તેને ટેસ્ટ લાઇન-અપમાંથી પણ બહાર કરી દીધો હતો. ઈશાંતે આઈપીએલની 104 મેચમાં 84 વિકેટ લીધી છે. ઈશાંત શર્માએ તેની આઈપીએલ કારકિર્દીમાં ઘણા શાનદાર સ્પેલ નાખ્યા છે. IPL 2023ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
રિદ્ધિમાન સાહા
રિદ્ધિમાન સાહા ભલે IPLમાં સફળ ખેલાડી ન હોય, પરંતુ જ્યારે પણ તે કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે રમે છે ત્યારે તેણે કેટલીક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમે છે. સાહાએ આઈપીએલમાં અત્યાર સુધી 144 મેચમાં 2427 રન બનાવ્યા છે. 38 વર્ષીય સાહાએ ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સ માટે ત્રણ અડધી સદી ફટકારી હતી. તેણે ટાઇટન્સને તેમની પ્રથમ IPL ચેમ્પિયનશિપ જીતવામાં મદદ કરી. ફિટનેસની સમસ્યાઓના કારણે આ સાહાની છેલ્લી આઈપીએલ સિઝન પણ હોઈ શકે છે.