GT VS RR IPL 2022 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સની ટીમ બીજી વખત ટાઇટલ જીતવા ઉતરશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ, પોતાની ડેબ્યૂ સિઝનમાં દિગ્ગજ ટીમોને હરાવીને, નવો ઇતિહાસ રચવા મેદાનમાં ઉતરશે.
બંને ટીમમાં અનુભવી ખેલાડી…
ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચ ક્વોલિફાયર 1માં રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી, જેમાં તેમણે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટથી જીત મેળવી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર 2માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 7 વિકેટથી જીત મેળવી હતી. આ પહેલા રાજસ્થાન અને ગુજરાત આ સિઝનમાં અત્યાર સુધી એકબીજા સામે બે મેચ રમ્યા છે, જેમાં ગુજરાત ટાઇટન્સે આ બંને મેચ જીતી છે. જેમાં ક્વોલિફાયર-1માં મળેલી જીતનો પણ સમાવેશ થાય છે.
ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે રસપ્રદ જંગની અપેક્ષા છે. ત્યારે રાજસ્થાન રોયલ્સ પાસે કેપ્ટન સંજુ સેમસન, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, જોસ બટલર, ટ્રેન્ટ બોલ્ટ જેવા અનુભવી ખેલાડીઓની તાકાત છે. આ સાથે જ યશસ્વી જયસ્વાલ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા યુવા ખેલાડીઓ પણ આ ટીમમાં છે. જ્યારે કેપ્ટન સંજુએ દરેક સાથે સારો તાલમેલ બનાવીને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી છે.
ગુજરાતને ઘરેલું મેદાનનો લાભ
મુખ્ય કોચ આશિષ નેહરાના માર્ગદર્શન હેઠળ, ગુજરાત ટાઈમ્સની ટીમમાં અનુભવી ખેલાડીઓની કોઈ કમી નથી. ફિટ થયા બાદ ફોર્મમાં પરત ફરેલા હાર્દિકે કેપ્ટન અને બેટ્સમેન તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ સાથે ડેવિડ મિલર અને રાહુલ તેવટિયાએ પણ ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. આ ઉપરાંત ગુજરાતની ટીમમાં રાશિદ ખાન, રિદ્ધિમાન સાહા જેવા ખેલાડીઓ પણ હાજર છે. ગુજરાત ટાઇટન્સને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘરેલું મેદાનનો લાભ મળી શકે છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત 11 ખેલાડી:
રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.
રાજસ્થાન રોયલ્સની સંભવિત 11 ખેલાડી:
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (C/W), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસીધ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેન મેક્કોય.