ઇલેક્ટ્રિક વાહન ચલાવનારાને મળશે મોટી રાહત, દેશભરમાં IOC પેટ્રોલ પંપ પર લાગશે EV ચાર્જર
નવી દિલ્હી, 28 માર્ચ: ઇલેક્ટ્રિક વાહનોને ખરીદનારાઓ માટે ખુશખબર છે. આગામી દિવસોમાં તેમને કાર ચાર્જ કરવાની કોઈ પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. કારણ કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દેશભરના 1400 પેટ્રોલ પંપ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરશે. IOCએ આ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા માટે મેન્યુફેક્ચરિંગ કંપની જેટવર્કને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, IOCએ 6,000 ચાર્જર માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં દેશભરમાંથી 40 ઇલેક્ટ્રિક વ્હીકલ સપ્લાયર્સે ભાગ લીધો હતો. કંપનીએ તેમના નિવેદનમાં કહ્યું કે, જેટવર્કે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ફાસ્ટ-ચાર્જિંગ ચાર્જર ઇન્સ્ટોલ કરવા માટે સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા IOC પાસેથી ઓર્ડર જીત્યો છે.
જેટવર્કને સૌથી મોટો ઓર્ડર મળ્યો
આ બિડમાં દેશભરમાંથી 40થી વધુ અગ્રણી EV સપ્લાયર્સે ભાગ લીધો હતો. જેટવર્કે કહ્યું કે તેને જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની તરફથી સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીના બિઝનેસ હેડ અભય આદ્યાએ કહ્યું કે, આ ચાર્જિંગ સ્ટેશન IOCના પેટ્રોલ પંપ પર જરૂરિયાત મુજબ લગાવવામાં આવશે. મોટા શહેરોમાં આ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરીને, અમે ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપી શકીશું અને દેશને ઇકો-ફ્રેન્ડલી ભવિષ્ય તરફ લઈ જઈ શકીશું. કરાર હેઠળ, જેટવર્ક 50-60 kW અને 100-120 kWની ક્ષમતાવાળા 1,400થી વધુ EV ચાર્જર ઇન્સ્ટોલ કરશે.
ડીસી ડ્યુઅલ ગન ચાર્જર હશે
આ DC ડ્યુઅલ ગન CCS2 DC ચાર્જર્સ હશે, જે ડાયનેમિક લોડ-શેરિંગ મોડ દ્વારા એકસાથે બે વાહનોને ચાર્જ કરવામાં સક્ષમ હશે. આ ચાર્જિંગ સ્ટેશનો જરૂરિયાત મુજબ IOC આઉટલેટ્સ પર સ્થાપિત કરવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ ઇલેક્ટ્રિકલ વાહનો (EVs) જેવા ઉભરતા ટ્રેન્ડમાં સક્રિયપણે રોકાણ કરી રહ્યું છે. તેના લાંબા ગાળાના ESG ધ્યેયોના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ ગ્રાહકોને ક્લીન એનર્જી સોલ્યુશન્સ પસંદ કરવા અને તેના કાર્બન ફૂટપ્રિન્ટની સાથે પરિવહન ખર્ચમાં ઘટાડો કરવા માટે સશક્ત બનાવવાના મજબૂત મિશનને અનુસરી રહી છે.
આ પણ વાંચો: ટાટા, મારુતિ અને મહિન્દ્રા લોન્ચ કરશે નવા ઇલેક્ટ્રિક વાહનો, તેમાં SUV પણ હશે સામેલ