અમરેલી લેટરકાંડમાં સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્તરાયની તપાસ પૂર્ણ થઈ
- પોલીસે પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું
- ટૂંક જ સમયમાં નિર્લિપ્તરાય રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સુપરત કરશે
- કોના ઇશારે પાયલની અડધી રાતે ધરપકડ કરવામાં આવી તે એક પ્રશ્ન
અમરેલી લેટરકાંડમાં સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્તરાયની તપાસ પૂર્ણ થઈ છે. ટૂંક જ સમયમાં તેઓ રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સુપરત કરશે. જોકે, સૂત્રોના મતે, લેટરકાંડમાં એવું મુખ્ય તારણ બહાર આવ્યું છે કે, પોલીસની શંકાસ્પદ ભૂમિકા રહી છે. પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે ઉતાવળું પગલું ભર્યુ હતું.
પોલીસે પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું
ધારાસભ્યને રાજી કરવાની લાયમાં પોલીસ ફસાઈ છે જેમાં અધિકારી સામે કાર્યવાહી થશે. અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા પોલીસ પાસેથી લાખો રૂપિયા હપ્તા લે છે તે સહિત અન્ય આક્ષેપ સાથે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પ્રકરણમાં પોલીસે પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
રાજ્ય સરકારે સમગ્ર પ્રકરણની તપાસ નિર્લિપ્ત રાયને સોંપી હતી
રાજ્ય સરકારે સમગ્ર પ્રકરણની તપાસ નિર્લિપ્ત રાયને સોંપી હતી. એવું જાણવા મળ્યું છે કે, તપાસ પાસાઓની તપાસના અંતે નિર્લિપ્ત રાય હવે ટૂંક જ સમયમાં ડીજી વિકાસ સહાયને આખોય રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટનું તારણ એવું છે કે, ઉચ્ચ અધિકારીની સૂચના વિના મહિલાનું જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં.
કોના ઇશારે પાયલની અડધી રાતે ધરપકડ કરવામાં આવી
હવે કયા પોલીસ અધિકારીએ સૂચના આપી, કોના ઇશારે પાયલની અડધી રાતે ધરપકડ કરવામાં આવી, તે મુદ્દે રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે તે જોતાં આગામી દિવસોમાં અમરેલી પોલીસ બેડામાં ગૃહ વિભાગની ત્રાડ ગરજી શકે છે. ત્રણ પોલીસ કર્મચારીઓને તો સસ્પેન્ડ કરાયા છે. હવે પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસના રોજ ગુજરાતમાંથી જાણો કેટલી જનમેદની આવી