ઉદયપુર, 16 ઓગસ્ટ : રાજસ્થાનના ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર સહાધ્યાયીએ છરી વડે હુમલો કર્યો હતો. છરાબાજી બાદ અફવા ફેલાઈ હતી અને કોમી તંગદિલી સર્જાઈ હતી. શહેરમાં અચાનક વાતાવરણ બગડી ગયું હતું. ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી અને બજારો બંધ કરાવી હતી. પરિસ્થિતિને જોતા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હવે ડિવિઝનલ કમિશનરે ઉદયપુરમાં ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. રાત્રે 10 વાગ્યાથી આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ રહેશે.
અહીં જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રની તત્પરતાના કારણે પરિસ્થિતિ કાબૂમાં છે. શહેરના દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. પોલીસ અને પ્રશાસનને શાંતિ જાળવવામાં સફળતા મળી રહી છે. શહેરમાં હવે હિંસક ઘટનાઓ નોંધાઈ રહી નથી. આયદ વિસ્તારમાં મોડી રાત્રે બંને પક્ષો સામસામે આવી ગયા હતા પરંતુ હવે પોલીસે ત્યાં પણ સ્થિતિને કાબુમાં લીધી છે. વિસ્તારમાં પોલીસ જવાનો તૈનાત છે. વહીવટીતંત્ર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
આવતીકાલે શહેરની તમામ શાળાઓ બંધ રહેશે
ઉદયપુરમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે છરીની લડાઈ બાદ સર્જાયેલા તણાવ વચ્ચે શાળાઓએ શનિવારે રજા જાહેર કરી છે. મોટાભાગની ખાનગી શાળાઓએ પણ રજા જાહેર કરી દીધી છે. આવતીકાલે શહેરની તમામ શાળાઓ બંધ રહેશે. દરમિયાન, ઉદયપુરના એસપી યોગેશ ગોયલ કહે છે, ‘દિવસ દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી, લોકો રસ્તાઓ પર ગુસ્સે થયા હતા અને તોડફોડની કેટલીક ઘટનાઓ બની હતી. અમે તરત જ નિર્ણય લીધો અને શહેરમાં કલમ 144 લગાવી દીધી. ઇજાગ્રસ્ત બાળકને તબીબી સહાય આપવામાં આવી હતી, બાળકની સ્થિતિ સ્થિર છે. વરિષ્ઠ એસપી દિલીપ ઠાકુરે કહ્યું કે, ‘તણાવનું વાતાવરણ હતું પરંતુ હવે શાંતિ છે. વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.