મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ વધુ પાંચ દિવસ લંબાયો
- મણિપુરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ હિંસા યથાવત
- 11 ઓક્ટોબર સુધી ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ
મણિપુરમાં હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો છે. મણિપુર ગૃહ વિભાગ દ્વારા શુક્રવારે (6 ઑક્ટોબરે ) જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 6 ઑક્ટોબરના રોજ પોલીસ મહાનિર્દેશકના પત્ર અનુસાર, સુરક્ષા દળો સાથે અથડામણ, ચૂંટાયેલા સભ્યોના આવાસ પર ભીડ કરવાનો પ્રયાસ અને પોલીસ સ્ટેશનો સામે નાગરિક વિરોધ વગેરેને લગતી હિંસક ઘટનાઓ હજુ પણ બની રહી છે.
એવી સંભાવના છે કે, કેટલાક અસામાજિક તત્વો મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ જાહેર ભાવનાઓને ભડકાવવા, નફરતભર્યા ભાષણો અને નફરતભર્યા વિડિયો સંદેશા પ્રસારિત કરવા માટે કરી શકે છે, જેનાથી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય તેવા ગંભીર પરિણામો ઊભા થઈ શકે છે.
ઈન્ટરનેટ સેવા પર 11 ઓક્ટોબર સુધી લંબાવાયો પ્રતિબંધ
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે. ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ (જાહેર કટોકટી અથવા જાહેર સલામતી) નિયમ 2007ના નિયમ 2 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, મણિપુરના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં VPN દ્વારા મોબાઇલ ઇન્ટરનેટ કે ડેટા સેવાઓને તાત્કાલિક અસરથી આગામી 5 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સસ્પેન્શન ઓર્ડર 11 ઓક્ટોબરના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી અમલમાં રહેશે.
અહેવાલો મુજબ, બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના પટસોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ કિથેલમનબીમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. આ વિસ્તારના ઓછામાં ઓછા બે ઘરોને આગ લગાડવામાં આવી હતી અને અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ગુરુવારે આ ઘટનાની જાણકારી આપી હતી અને પોલીસે કહ્યું હતું કે, આ વિસ્તારમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
બે વિદ્યાર્થીઓના મૃત્યુ થયાં બાદ પરિસ્થિતિ વધારે બેકાબૂ બની
મણીપુરમાં બે વિદ્યાર્થીઓના અપહરણ કરવામાં આવ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓ 6 જુલાઈથી ગુમ થયેલા હતા. પરંતુ 25મી સપ્ટેમ્બરે તેમના મૃતદેહના ફોટા બહાર આવતાં રાજ્યમાં ભારે હિંસક વિરોધ પ્રદર્શનો થયાં હતા અને સ્થિતિ વધુ બેકાબૂ બની હતી. આ મામલામાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને CBI આ સમગ્ર મામલાની તપાસ પણ કરી રહી છે.
આ પણ જુઓ :ગાઝામાં યુદ્ધની સ્થિતિઃ હમાસના હુમલા બાદ ઈઝરાયેલે જાહેર કર્યું ઑપરેશન આયર્ન સ્વોર્ડ્સ