મણિપુરમાં હિંસાને કારણે ઈન્ટરનેટ પર પ્રતિબંધ વધુ 5 દિવસ માટે લંબાયો
- ગુમ થયેલા 2 વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા બાદ ભડકી હતી હિંસા
- સોશિયલ મીડિયા પર હિંસક વીડિયો કે તસવીરો શેર ન કરવાનો રાજ્ય સરકારનો આદેશ
મણિપુર સરકારે બુધવારે(12 ઓક્ટોબરે) ફરી એકવાર મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર 5 દિવસ માટે પ્રતિબંધ મુક્યો છે. ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ તારીખ 16 ઓક્ટોબરની સાંજ સુધી અમલમાં રહેશે. મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા અટકી રહી નથી. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનાથી વાતાવરણ અશાંત છે. રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમજ ક્યાય પણ હિંસાના વીડિયો કે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે આદેશ કર્યો હતો.
ઇન્ટરનેટ પર પ્રતિબંધ વધુ 5 દિવસ લંબાવવાનો ગૃહ વિભાગનો આદેશ
ઈન્ટરનેટ સેવાઓ પરના પ્રતિબંધને આગળ લઈ જતા, આ પ્રતિબંધને હવે 16મી ઓક્ટોબરની સાંજ સુધી લંબાવવામાં આવ્યો છે. મણિપુર સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર, આ નિર્ણય હિંસક ગતિવિધિઓને નિષ્ફળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. આદેશોમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય “રાષ્ટ્રવિરોધી અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અને જાનહાનિને રોકવા માટે લેવામાં આવ્યો છે.” આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતી અને અફવાઓને ફેલાતા અટકાવીને જાહેર હિતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પગલાં લેવા જરૂરી છે. રાજ્ય સરકાર હિંસક ગતિવિધિની તસવીરો અને વીડિયોને ‘ગંભીરતા અને અત્યંત સંવેદનશીલતા સાથે’ લે છે. આવી વસ્તુ શેર કરવાને કારણે ફરી ભીડ ભેગી થઇ શકે છે અને સરકારી સંપત્તિને નુકસાન થઇ શકે છે, જેને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.”
ઈન્ટરનેટ સેવાઓ ઘણી વખત કરવામાં આવી હતી પુનઃસ્થાપિત
ગૃહ વિભાગ વતી મુખ્યમંત્રી એન બિરેન સિંહની જાહેરાત બાદ 23 સપ્ટેમ્બરે ઈન્ટરનેટ સેવાને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ બે ગુમ વિદ્યાર્થીઓના મૃતદેહોની તસવીરો વાયરલ થયા બાદ ઇમ્ફાલ ઘાટીમાં ફરી એકવાર જનઆંદોલન શરૂ થયું હતું. સાવચેતીના પગલા તરીકે, 26 સપ્ટેમ્બરના રોજ ફરીથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. રાજ્યમાં સ્થિતિ વધુ વણસે નહીં અને સ્થિતિને કાબૂમાં રાખવા માટે સરકારે ફરીથી ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લાદી દીધો છે.
આ પણ વાંચો :બિહારમાં ટ્રેન પાટા પરથી ઉતરતા મોટી દુર્ઘટના, શું ફરી કોઈ કાવતરું?