India Covid-19 Udapte: ચીનના કોરોના વાયરસને પગલે વિશ્વભરમાં તબાહી જોવા મળી રહી છે. ત્યારે ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. સરકાર દ્વારા જરૂરી એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ઈન્ટરનેશનલ યાત્રિકો માટે શનિવારથી ભારતમાં રેન્ડમ કોરોના ટેસ્ટ જરૂરી થઈ ગયું છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવતા કેટલાંક યાત્રિકોના આજથી રેન્ડમ ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ફ્લાઈટના કુલ યાત્રિકોમાંથી 2 ટકા યાત્રિકોના રેન્ડમ ટેસ્ટ પણ કરાશે. કોરોનાના વધતા ખતરાને જોતા શનિવાર સવારથી જ યાત્રિકોના રેન્ડમ ટેસ્ટના નિયમ લાગુ થઈ ગયા છે.
સ્વાસ્થ્યમંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવતા યાત્રિકોમાંથી 2 ટકા લોકોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એરલાઇન્સ કંપની નક્કી કરશે કે કયા યાત્રિકોના કોરોના ટેસ્ટ થશે. અલગ-અલગ દેશોમાંથી યાત્રા કરવાવાળા યાત્રિકોના ટેસ્ટિંગ સામેલ કરવામાં આવશે. એડવાઈઝરી મુજબ આ યાત્રિકોના સેમ્પલ લઈને તેમને જવા દેવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રેન્ડમ ટેસ્ટ પછી જો કોઈ યાત્રી કોવિડ સંક્રમિત હશે તો તેના સેમ્પલ જીનોમિક ટેસ્ટ માટે મોકલવામાં આવશે.
થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા સરકારે ઈન્ટરનેશલ યાત્રિકોને લઈને અનેક જરુરી દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. સરકારની એડવાઈઝરી મુજબ એરપોર્ટ પર આવતા તમામ યાત્રિકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. સાથે જ એરપોર્ટમાં એન્ટ્રી કરાવવા પર ત્યાં હાજર સ્વાસ્થ્ય અધિકારી યાત્રિકોના થર્મલ સ્ક્રીનિંગ પણ કરશે. આ દરમિયાન જો સ્વાસ્થ્ય અધિકારીને કોઈ યાત્રામાં કોરોનાના લક્ષણ મળે છે તો તેને પ્રોટોકોલ અંતર્ગત મેડિકલ સુવિધા આપવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગે એરપોર્ટ પર આવતા તમામ યાત્રિકોને પ્રોટોકોલનું પાલન કરવા માટે નિર્દેશિત કર્યા છે.
એડવાઈઝરીની મહત્વની વાત
- ઈન્ટરનેશનલ યાત્રિકોમાં 2 ટકા રેન્ડમ કોરોના ટેસ્ટ થશે.
- સંબંધિત એરલાઈન્સ જ રેન્ડમ ટેસ્ટિંગ માટે યાત્રિકોની પસંદગી કરશે. જેમાં મોટા ભાગે તે યાત્રિકોને સામેલ કરવામાં આવશે જે અલગ-અરલગ દેશમાંથી યાત્રા કરે છે. તેમના સેમ્પલ લીધા બાદ એરપોર્ટ બહાર જવા દેવાશે.
- ટેસ્ટિંગ દરમિયાન જો યાત્રી કોરોના પોઝિટિવ હશે તો તેમના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવશે.
- કોરોના પોઝિટિવ યાત્રિકોને પ્રોટોકોલ અંતર્ગત આઈસોલેટેડ કરવામાં આવશે.
- જો કે રેન્ડમ ટેસ્ટિંગથી 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને છૂટ આપવામાં આવશે.
- એડવાઇઝરીમાં તમામ યાત્રિકોને જાતે જ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવશે. સાથે જ કોરોના લક્ષણ જોવા મળતા તેમના રિપોર્ટ નેશનલ હેલ્પલાઈન નંબર 1075 પર કરવાનું કહેવામાં આવશે.