આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝ

પાકિસ્તાનઃ ઈમરાન ખાનની હાકલ પર ઇસ્લામાબાદમાં ઉમટ્યાં સમર્થકો, બોલાવવી પડી સેના

ઇસ્લામાબાદ, તા.5 ઓક્ટોબરઃ જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની હાકલ પર ઇસ્લામાબાદમાં તેના સમર્થકો ઉમટી પડ્યાં છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વિરોધ પ્રદર્શનની યોજનાના કારણે ઇસ્લામાબાદમાં સેનાનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સેનાના જવાનો શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના શિખર સંમેલન માટે કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા 17 ઑક્ટોબર સુધી શહેરમાં રહેશે.

આંદોલનને દબાવવા મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ

ઈમરાન ખાનની મુક્તિની માંગને લઈ ઇસ્લામાબાદના ઐતિહાસિક સ્થળ પર મોટી સંખ્યામાં પીટીઆઈ સમર્થકો ઉમટ્યા છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની અધિકારીઓએ એકત્ર થયેલા દેખાવકારોને વિખેરવા માટે ટિયર ગેસનો ઉપયોગ કર્યો અને આંદોલનને દબાવવા માટે ઇસ્લામાબાદ, રાવલપિંડી સહિત અનેક શહેરોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી.

પીટીઆઇ અને સરકાર વચ્ચે ટકરાવ નક્કી

પાકિસ્તાનના અગ્રણી દૈનિક ડૉનના અહેવાલ મુજબ, પીટીઆઇ અને સરકાર વચ્ચે ટકરાવ લગભગ નક્કી છે. પીટીઆઈ આજના પ્રદર્શનને કરો યા મરો કહી રહી છે. ડૉનના રિપોર્ટ મુજબ, મીનાર એ પાકિસ્તાનમાં પ્રભાવશાળી પ્રદર્શન કરવાની રણનીતિના ભાગ રૂપે પીટીઆઈ આ વિરોધ પ્રદર્શન કરી રહી છે.

ઈમરાન ખાનની બે બહેનોની ધરપકડ

પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાનની બહેનો અલીમા ખાન અને ઉઝમા ખાનની ઇસ્લામાબાદ પોલિસે શુક્રવારે શહેરની ડી ચોકથી શાંતિપૂર્ણ વિરોધનો તેમના અધિકારનો પ્રયોગ કરવા માટે ધરપકડ કરી હતી. ડી ચોક એ જગ્યા છે જ્યાં ઇમરાન ખાને 2014માં પાકિસ્તાનાં ચૂંટણીમાં થયેલા ગોટાળા સામે 126 દિવસ સુધી ધરણાં કર્યા હતા.  ઈમરાન ખાન એક વર્ષ કરતાં વધારે સમયથી રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે.

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરને પીટીઆઈએ શું કરી અપીલ?

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ, પીટીઆઈ સરકારના સૂચના સલાહકાર બેરિસ્ટર અલી સૈફએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને વિરોધ પ્રદર્શનને સંબોધિત કરવાની અપીલ કરી છે. ડૉ. એસ જયશંકર શાંઘાઈ સહયોગ શિખર સંમેલન (એસસીઓ)માં સામેલ થવા માટે 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. ડિસેમ્બર 2015 બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રીનો આ પ્રથમ પાકિસ્તાન પ્રવાસ હશે. આ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2015માં એક સુરક્ષા સંમેલનમાં સામેલ થવા ઇસ્લામાબાદ ગયા હતા.

આ પણ વાંચોઃ આ 5 સરકારી યોજનામાં મળે છે સસ્તામાં ઘર, આ રીતે ઉઠાવો લાભ

Back to top button