ગુજરાતટ્રેન્ડિંગ

જી-20ની થીમ સાથે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, 8 જાન્યુઆરી આચાર્ય દેવવ્રત કરશે ઉદ્ઘાટન

કોરોના કાળના બે વર્ષ પછી આ વર્ષે અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામા આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આગામી 8થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજન કરવામાં આવ્યુ છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના અનેક પતંગબાજો ભાગ લેવા આવશે. જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ બાગ લેશે. આ પતંગમહોત્સવમાં જી-20ના લોગો વાળી પતંગો ગુજરાતના આકાશમાં ઉડતી જોવા મળશે.

આચાર્ય દેવવ્રત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ અને ગુજરાતભરના શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 8 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 8.00 વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે. ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યના ગમનનું સ્વાગત કરવા માટે સૂર્યનમસ્કારનું પ્રદર્શન કરવામાં આવશે, સાથે જ કાર્યક્રમના પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગબાજો જી20નો લોગો પ્રિન્ટ કરેલું ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-humdekhengenews

જી-20ના લોગો વાળી પતંગો આકાશમાં ઉડશે

આ વર્ષે, ગુજરાતના આકાશમાં જી-20નો લોગો વાળી પતંગો આકાશમાં ઉડતી નજરે પડશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમોનું આયોજન

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં ભારતને જી20ની અધ્યક્ષતા મળી છે. અને જી20ને એક સહભાગી કાર્યક્રમ બનાવવા માટે વડાપ્રધાનના દ્રષ્ટિકોણને અનુરૂપ ભારતના લોકો માટે જી20ને લઈને લોકોમાં સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. ધ ગ્રુપ ઓફ 20 (જી20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી જી20ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકો યોજાશે.

આ પણ વાંચો : વિદેશથી ભારતમાં આવતા મુસાફરોમાં ઓમિક્રોનના 11 પ્રકારના વેરિયન્ટ, 124 પોઝિટીવ નિકળ્યા

Back to top button