સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, ભારત સહિત 19 દેશોના પતંગબાજો લેશે ભાગ
સુરતના અડાજણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર હેમાલીબેન બોઘાવાલાએ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જી-20 ની ‘વસુધૈવ કુટુંબકમ’ થીમ આધારિત ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના પતંગબાજોએ અવનવા રંગબેરંગી પતંગો ચગાવીને સુરતીઓના દિલ જીતી લીધા હતા. અડાજણ રિવરફન્ટ પાસે ઉજવાઈ રહેલા આ પતંગમહોત્સવમા 19 દેશોના 42 પતંગબાજો, ભારતના છ રાજ્યોના 20 અને સુરતના 40 સ્થાનિક પતંગબાજો જોડાયા હતા.
સુરત ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023” યોજાયો
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ભારતમાં યોજાનાર જી-20સમિટની ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર હેમાલીબેન બોઘાવાલાના અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023” યોજાયો હતો. જેમાં 19 દેશોના 42અને ભારતના છ રાજ્યોના 20 પતંગબાજો તેમજ 40 સુરતી પતંગબાજો સહિત 90 થી વધુ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવ્યા હતા. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપુર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા.
હેમાલીબેન બોઘાવાલાએ આપ્યુ નિવેદન
આ અવસરે મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, રાજયની શાંતિ, ભાઈચારો એ સૌને એકસૂત્રમાં જોડનાર પતંગરૂપી પ્રેમની ફળશ્રુતિ છે. દેશ-વિદેશના બાહોશ પતંગબાજો સુરતના મહેમાન બન્યા છે, જેઓનું સુરતીઓએ આનંદ અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે. સરકારના ઉત્સવો, મેળાઓના આયોજનના કારણે દેશ-વિદેશના ટુરિસ્ટો મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવને માણવા પધારે છે. ઉત્તરાયણના અવસરે વિદેશમાં વસતા હજારો સુરતીઓ પતંગોત્સવની ઉજવણી માટે સુરત આવે છે, જેના કારણે સુરતમાં મોટાપાયે પતંગના ગૃહઉદ્યોગનો વિકાસ થયો છે.
વિવિધ દેશોના પતંગબાજોએ લીધો ભાગ
આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાતિનો તહેવાર પ્રકૃતિમય તહેવાર છે. વડાપ્રધાનએ રાજયમાં આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવની શરૂઆત કરાવી હતી. સમગ્ર રાજયમાં તા.8 થી12જાન્યુઆરી દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે સ્થળોએ પ્રવાસન નિગમ દ્વારા પતંગમહોત્સવ યોજાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અલ્જીરીયા, ચિલી, આર્જેન્ટિના, બલ્ગેરિયા, બેલારૂસ, બેલ્જીયમ, કંબોડીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, એસ્ટોનિયા, જયોર્જિયા, જર્મની, ગ્રીસ, જોર્ડન, ઈટાલી જેવા દેશોના 42 પતંગબાજો તથા ભારતના બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, રાજસ્થાનના પતંગબાજો પતંગો ચગાવ્યા હતા. આ અવસરે ડે.મેયરદિનેશ જોધાણી, ઈ.કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નર્મદ યુનિ.ના કુલપતિ કે.એન.ચાવડા, પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, પાલિકાના દંડક વિનોદભાઈ પટેલ, કોર્પોરેટરો, જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન નિગમના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યભરમાં 14થી 31 જાન્યુઆરી દરમિયાન ‘પ્રાણી કલ્યાણ પખવાડિયું’ 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન યોજાશે