ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ: દુનિયાનો સૌથી ખુશ દેશ કયો? 2024માં ભારતનું રેન્કિંગ શું છે?

  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો

નવી દિલ્હી, 20 માર્ચ: 20 માર્ચ એટલે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ. ત્યારે આજે બુધવારે દુનિયાનો સૌથી ખુશ દેશ કયો છે? તે જાણવા લોકો આતુર રહે છે.  દુનિયાના સૌથી ખુશ દેશની વાત કરીએ તો તે અમેરિકા, ચીન કે રશિયા નહીં, પરંતુ ફિનલેન્ડ છે. ફિનલેન્ડ એ દુનિયાનો સૌથી ખુશ દેશ છે. 2024 માટે વિશ્વના સૌથી ખુશ દેશોની રેન્કિંગ યાદી આવી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રનો વાર્ષિક વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ બુધવારે પ્રકાશિત થયો છે. આ વાર્ષિક વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં, ફિનલેન્ડ સતત સાતમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ રહ્યો. ગયા વર્ષની જેમ, ભારત હેપ્પીનેસ રેન્કિંગમાં 126માં સ્થાને છે.

ફિનલેન્ડ પછી ડેનમાર્ક, આઈસલેન્ડ અને સ્વીડન વિશ્વ હેપ્પીનેસ રેન્કિંગમાં આવે છે. નોર્ડિક દેશોએ 10 સૌથી ખુશ દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન આ રેન્કિંગમાં સૌથી નીચે છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રકાશિત થયા પછી એક દાયકા કરતાં વધુ સમય સુધી, યુનાઇટેડ સ્ટેટ્સ અને જર્મની ટોચના 20 ખુશ દેશોમાં હતા. પરંતુ આ પહેલી વખત છે કે, જ્યારે નવી રેન્કિંગમાં અમેરિકા 23મા સ્થાને અને જર્મની 24મા સ્થાને આવ્યું છે. કોસ્ટા રિકા અને કુવૈત 12મા અને 13મા સ્થાને ટોપ-20મા પ્રવેશ્યા છે.

મોટી વસ્તી ધરાવતા દેશો ખુશ નથી

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, હવે દુનિયાના સૌથી મોટા દેશોમાંથી કોઈ પણ ખુશહાલ દેશોમાં સામેલ નથી. ટોચના 10 દેશોમાં માત્ર નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વસ્તી 15 મિલિયનથી વધુ છે. ટોચના 20 દેશોમાં માત્ર કેનેડા અને UKની વસ્તી 30 મિલિયનથી વધુ છે. 2006-10 પછી હેપ્પીનેસ સૂચકાંકમાં સૌથી તીવ્ર ઘટાડો અફઘાનિસ્તાન, લેબનોન અને જોર્ડનમાં જોવા મળ્યો હતો, જ્યારે સૌથી વધુ વધારો પૂર્વ યુરોપીય દેશો સર્બિયા, બલ્ગેરિયા અને લાતવિયામાં નોંધાયો હતો.

આ હેપ્પીનેસ રેન્કિંગ કયા આધારે આપવામાં આવે છે?

હેપ્પીનેસ રેન્કિંગ વ્યક્તિના જીવન સંતોષના સ્વ-મૂલ્યાંકન તેમજ માથાદીઠ GDP, સામાજિક સમર્થન, સ્વસ્થ આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર પર આધારિત છે. ફિનલેન્ડની હેલસિંકી યુનિવર્સિટીના હેપ્પીનેસ રિસર્ચર (સંશોધક) જેનિફર ડી પાઓલાના જણાવ્યા મુજબ, ફિનલેન્ડમાં રહેતા લોકોનું પ્રકૃતિ સાથે ગાઢ જોડાણ અને તેમના તંદુરસ્ત કાર્ય-જીવન સંતુલનનું જીવન સંતોષમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે.

આ પણ જુઓ: ગ્લોબલ વોર્મિંગને લઈને World Meteorological Organization નું રેડ એલર્ટ જાહેર, જાણો શું કહ્યું ?

Back to top button