અમદાવાદ,01 માર્ચ, 2024: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી 2024માં મુસાફરોની અવરજવરમાં 2023ની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024, ફિલ્મફેર એવોર્ડ્સ અને ઉત્તરાયણ જેવા વિવિધ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ગતિવિધીઓમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 200,199 આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી, જે ગયા વર્ષની તુલનામાં 25% વધુ છે. માત્ર મુસાફરોની સંખ્યામાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)માં પણ 41%નો ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2023માં તે 1,008 થી વધીને જાન્યુઆરી 2024 માં 1,420 થઈ છે.
નવા સ્થળોના વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યા
પ્રવાસીઓને લેઝર અને બિઝનેસ ટ્રાવેલ માટે એર ઈન્ડિયા દ્વારા લંડન, મલેશિયા એરલાઈન્સ દ્વારા કુઆલાલંપુર, થાઈ એરવેઝ દ્વારા બેંગકોક, એર એશિયા દ્વારા ડોન મુઆંગ (બેંગકોક), વિયેટજેટ દ્વારા હનોઈ અને હો ચી મિન્હ સિટી, અબુ ધાબી તેમજ ઈન્ડિગો દ્વારા જેદ્દાહ જેવા નવા સ્થળોના વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2024માં એરપોર્ટની સુરક્ષા ટીમે 200,000થી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સામાનના કુલ 165,830 વસ્તુઓની તપાસ કરી. પ્રતિબંધિત વસ્તુઓની તપાસ માટે 2,215 બેગની ભૌતિક તપાસ કરવામાં આવી. સૌથી સામાન્ય જોવા મળતી પ્રતિબંધિત વસ્તુઓમાં કોપરા, બેટરી સેલ અને લાઇટરનો સમાવેશ થાય છે.
તુર્કીશ કાર્ગોની કામગીરી પણ આ વખતે સફળ રહી
આ જ રીતે આંતરરાષ્ટ્રીય કાર્ગોએ પણ ગતિ પકડી છે. ડેડિકેટેડ કાર્ગો ટર્મિનલ (T3) સાથે અમદાવાદ એરપોર્ટ જાન્યુઆરી 2024માં કુલ 4,251 MT કાર્ગો હેન્ડલ કરવામાં સક્ષમ રહ્યું, જે ગત વર્ષે આ મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કાર્ગો કરતાં 20% વધુ છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટે કુલ 38,218 MT આંતરરાષ્ટ્રીય કાર્ગોનું સંચાલન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી તુર્કીશ કાર્ગો દ્વારા પુનઃ શરૂ કરવામાં આવેલી કામગીરી પણ આ સિદ્ધિમાં ફાળો આપે છે. પેસેન્જર્સ અને કાર્ગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે.
આ પણ વાંચોઃગુજરાતના સ્વિમર આર્યન નેહરાએ એશિયન ઈવેન્ટમાં 1 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા