ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપના મહિલા સદસ્યોના પતિદેવોની દખલગીરી
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતની અમલવારી
- મહિલા સદસ્યો સાઇડમાં ધકેલાઇ ગઇ છે
- ભાજપના મહિલા સભ્યોના પતિદેવો પર પ્રભારી મંત્રી ગિન્નાયા
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપના મહિલા સદસ્યોના પતિદેવોની વધતી જતી દખલગીરીની નોંધ જિલ્લા પ્રભારી મંત્રીએ લીધી હતી. તેઓએ તાજેતરમાં જિલ્લા પંચાયતના સદસ્યોની બેઠક બોલાવી હતી. જેમાં કેટલાક મહિલા સદસ્યોના પતિદેવો પત્નીને લીધા વગર જ મિટીંગમાં પહોંચી ગયા હતા. જેથી પ્રભારી ગિન્નાયા હતા. તેઓને અગાઉ પણ મહિલા સદસ્યોના પતિદેવોની વધતી જતી દખલગીરી મામલે ફરિયાદો મળી હતી. પ્રભારીએ બનેલી ઉપસ્થિત મહિલા સદસ્યોના પતિદેવોને જિલ્લા પંચાયતમાં પગ પણ નહી મુકવાની આડકતરી ચીમકી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: એક જ દિવસમાં 3 લોકો સાથે રૂ.7 કરોડથી વધુની છેતરપિંડી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતની અમલવારી
ઉલ્લેખનીય છેકે, રાજકિય ક્ષેત્રે પણ મહિલાઓનું કદ વધે તે માટે ભાજપે મહિલા સશક્તિકરણ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતની અમલવારી શરૂ કરાવી હતી. પ્રારંભમાં 33 ટકાથી વધારીને મહિલા અનામતનો હિસ્સો 50 ટકા કરવામાં આવ્યો હતો. જેના કારણે અત્યારે જિલ્લા પંચાયત સહિત તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા સદસ્યોમાં 50 ટકા મહિલાઓ છે. પરંતુ જે પાર્ટીએ મહિલા અનામતને પ્રોત્સાહન આપ્યુ તે પાર્ટીના જ ચૂંટાયેલા મહિલા સદસ્યોના પતિદેવોની માનસિકતા હજુ પણ મહિલાઓ પર આધિપત્ય ધરાવવાની હોય તેમ જણાઇ રહ્યુ છે. તેનું તાદ્રશ્ય ઉદાહરણ ગાંધીનગર જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સદસ્યોના પતિદેવો છે. આ પતિદેવોની છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પંચાયતના વહિવટથી લઇને મિટીંગોમાં દખલગીરી વધી ગઇ હતી. એક સમય તો એવો આવ્યો હતો કે, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ તેઓ ચર્ચામાં ભાગ લેવા લાગ્યા હતા. જેનો જે તે સમયે કોંગ્રેસના સદસ્યોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જિલ્લા પંચાયતમાં કેટલીક મહિલા સદસ્યોને જે તે સમિતીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCના આ નિર્ણયથી 1 લાખ જેટલા નાગરિકોને લાભ થશે
મહિલા સદસ્યો સાઇડમાં ધકેલાઇ ગઇ હતી
કેટલાક પતિદેવો તો તેમની ચેમ્બરમાં ચેરમેનની ખુરશી પરજ અડિંગો જમાવી દેતા હતા. જ્યારે ચૂંટાયેલા મહિલા સદસ્યનું સ્થાન પતિદેવની સામેની અથવા સાઇડમાં આવેલી ખુરશી પર રહેતુ હતું. સમિતીને લગતી કોઇપણ બાબતથી લઇને ગ્રાંટ ફાળવણી અને અધિકારીઓને રજુઆતથી લઇને કર્મચારીઓ સુધીનાને ઓર્ડર આપવાની તમામ બાબત આ પતિદેવોએ સંભાળી લીધી હતી. જેથી મહિલા સદસ્યો સાઇડમાં ધકેલાઇ ગઇ હતી. આ બાબતની અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. જોકે, જે તે સમયે તેનું કોઇ નિરાકરણ આવ્યુ નહતું. પરંતુ તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રભારી સાથેની ચૂંટાયેલા સદસ્યોની બેઠકમાં પ્રભારીએ તમામ પતિદેવોનો ઉઘડો લઇ લીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં કેટલીક મહિલા સદસ્યોના પતિદેવો પત્નીને લીધા વગર જ સીધા પહોંચી ગયા હતા. જેથી પ્રભારી ગિન્નાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતના આ 4 વિદ્યાર્થીઓ JEE મેઈનમાં ભારતના ટોપ-50મા આવ્યા
ભાજપના મહિલા સભ્યોના પતિદેવો પર પ્રભારી મંત્રી ગિન્નાયા
તેઓને અગાઉ પણ મહિલા સદસ્યોના પતિદેવોની ફરિયાદો મળી હતી. જેથી તેઓએ મહિલા સદસ્યોના પતિદેવોને જિલ્લા પંચાયતમાં પણ પગ નહી મુકવા માટે આડકતરી રીતે જણાવી દીધુ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. પ્રભારી મંત્રીનું આ રૌદ્ર સ્વરૂપ જોઇને બેઠકમાં ઉપસ્થિત મહિલા સદસ્યોના પતિદેવોના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. જેની અસર અત્યારે જિલ્લા પંચાયતમાં પણ જોવા મળે છે. એક સમયે અડિંગો જમાવીને બેઠા રહેતા મહિલા સદસ્યોના પતિદેવોએ હવે જિલ્લા પંચાયતમાં મોટાભાગે જરૂર હોય તો જ આવવાનું મુનાસિબ માન્યુ છે. જોકે, હજુપણ કેટલાક પતિદેવો મહિલા સદસ્યોને લીધા વગર જ જિલ્લા પંચાયતમાં આવી રહ્યા છે. જોકે, તેઓ અગાઉની માફક બેફામ નહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.