ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

ચૂંટણી પ્રતીકોની રસપ્રદ વાર્તા: શું તમે જાણો છો કોંગ્રેસને પંજો અને ભાજપને કમળ ક્યારે મળ્યું?

  • દેશમાં પહેલી વખત લોકસભા ચૂંટણી થઈ ત્યારથી ચૂંટણી પ્રતીકોનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ
  • ભાજપ અને કોંગ્રેસે ત્રણ-ત્રણ વખત બદલ્યા છે ચૂંટણી પ્રતીકો
  • ભાજપ 1980 પહેલા જનતા પાર્ટી અને જનસંઘના નામથી ઓળખાતી હતી

દિલ્હી0 22 મે: દેશની બે સૌથી મોટી પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ચિહ્નો પાછળની વાર્તા ઘણી રસપ્રદ છે. દેશમાં પહેલીવાર 1951-52માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક બે બળદની જોડી હતું. પક્ષોનું ચૂંટણી પ્રતીક પહેલી લોકસભા ચૂંટણીથી જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનું એક કારણ એ છે કે તે સમયે દેશમાં સાક્ષરતા ઘણી ઓછી હતી. આવી સ્થિતિમાં લોકો માટે સિમ્બોલ દ્વારા ઉમેદવારને ઓળખવામાં સરળતા રહેતી હતી.

કોંગ્રેસને કેવી રીતે મળ્યું ‘હાથના પંજાનું’ પ્રતીક?

દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક બે બળદોની જોડી હતી. જનસંઘને દીપકનું ચૂંટણી ચિન્હ મળ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ચિન્હો ત્રણ-ત્રણ વખત બદલાયા છે. બળદની જોડી 1952 થી 1969 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક હતું.

પરંતુ 12 નવેમ્બર 1969ના રોજ કોંગ્રેસ દ્વારા ઈન્દિરા ગાંધીને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ પછી ઈન્દિરાએ કોંગ્રેસ (R) નામથી એક નવો પક્ષ બનાવ્યો હતો. પાર્ટીને ચૂંટણી ચિન્હ ‘દૂધ પીતું વાછરડું’ મળ્યું હતું. આ 1971 થી 1977 સુધી ચૂંટણી ચિન્હ રહ્યું. 1977માં ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ (R)થી અલગ થઈને કોંગ્રેસ (I) નામની નવી પાર્ટી બનાવી. આ પછી તેમણે હાથના પંજાને પોતાનું ચૂંટણી ચિન્હ બનાવ્યું. ત્યારથી આ કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ છે.

જનસંઘથી ભાજપ સુધી: ત્રણ વખત બદલાયા ચૂંટણી ચિન્હ

અખિલ ભારતીય જનસંઘની રચના 21 ઓક્ટોબર 1951ના રોજ થઈ હતી. દિલ્હીમાં ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ કેમ્પસમાં રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય જનસંઘનો પાયો નાખવામાં આવ્યો હતો.

જનસંઘનો ધ્વજ લંબચોરસ ભગવો ધ્વજ હતો. આ ધ્વજ પર દર્શાવવામાં આવેલ દીવાને ચૂંટણી ચિન્હ તરીકે મંજૂરી મળી હતી. ઈમરજન્સી પછી 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું. આ સમયે નવું ચૂંટણી ચિન્હ ‘હલધર કિસાન’ મળી આવ્યું હતું. બરાબર ત્રણ વર્ષ પછી 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના થઈ. આ પછી ભાજપને ‘કમળ’ ચૂંટણી ચિન્હ મળ્યું હતું.

આ પક્ષોને મળ્યો ‘રાષ્ટ્રીય પક્ષ’નો દરજ્જો

દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં 29 રાજકીય પક્ષોએ ‘રાષ્ટ્રીય પક્ષ’નો દરજ્જો માંગ્યો હતો. જોકે, તેમાંથી માત્ર 14ને જ આ દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે માત્ર ચાર પક્ષો ‘રાષ્ટ્રીય પક્ષ’નો દરજ્જો બચાવવામાં સફળ રહ્યા હતા.

આ ચાર પક્ષોએ બચાવ્યો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો

  1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  2. પ્રજા સમાજવાદી પાર્ટી
  3. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
  4. અખિલ ભારતીય જનસંઘ

આ પણ વાંચો: ચૂંટણી પંચ ભાજપ-કોંગ્રેસ પર થયું ગરમ, નડ્ડા-ખડગેને નોટિસ મોકલી કહ્યું- ‘પ્રચારમાં મર્યાદા જાળવો’

Back to top button