IPL-2024T-20 વર્લ્ડ કપનેશનલસ્પોર્ટસ

ગરજ સરી ને વૈદ વેરી? – શિવમ દુબેનો રસપ્રદ કેસ જાણો

મે 6, અમદાવાદ: વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમથી ઘણા લોકો ખુશ છે તો અમુક નાખુશ છે. પરંતુ આપણે વાત કરવાની છે એક ખાસ ખેલાડીની અને આ ખેલાડી છે શિવમ દુબે. શિવમ દુબેનો રસપ્રદ કેસ સામે આવ્યો છે જેના વિશે આપણે આજે વિશ્લેષણ કરવાના છીએ.

જ્યારે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત નહોતી થઇ ત્યારે ફોર્મ વિહોણા હાર્દિક પંડ્યાને બદલે શિવમ દુબેનો સમાવેશ ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ પાછળનું કારણ એ છે કે દુબે સારો બેટર તો છે જ પરંતુ તે સ્પિન બોલિંગ પણ સારી કરી જાણે છે. પરંતુ જ્યારે ટીમની જાહેરાત થઇ ત્યારે તેમાં પંડ્યા અને દુબે બંને હતા.

ટીમની જાહેરાત થઇ એ પહેલાં શિવમ દુબેએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સન રાઈઝર્સ હૈદરાબાદ સામે 23 એપ્રિલે 39 નોટઆઉટની સુંદર ઇનિંગ રમી હતી. આ અગાઉ 23 એપ્રિલે દુબેએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 66 રનની જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. 30 એપ્રિલે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી.

આ ઘોષણાના બીજા જ દિવસે શિવમ દુબે ચેન્નાઈ માટે ફરીથી રમવા ઉતર્યો. આ મેચ પંજાબ કિંગ્સ સામે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર હતી અને શિવમ દુબે તેમાં ઝીરો પર આઉટ થઇ ગયો. જો કે આ મેચમાં તેણે પહેલીવાર આ સિઝનમાં બોલિંગ કરી અને તેમાં તેને એક વિકેટ પણ મળી હતી.

ત્યારબાદ પંજાબ કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એવા ધરમસાલામાં ગઈકાલે રમાયેલી મેચમાં શિવમ દુબે ફરીવાર ફ્લોપ રહ્યો અને તે ફરીથી ઝીરો પર આઉટ થઇ ગયો. આ રીતે વર્લ્ડ કપમાં પસંદગી પામ્યા બાદની બંને મેચોમાં શિવમ દુબે ફ્લોપ રહ્યો છે.

તો શું આ પાછળનું કારણ એવું હોઈ શકે કે શિવમ દુબે 30 એપ્રિલ સુધી સિલેક્ટરોને ઈમ્પ્રેસ કરવા માટે મહેનત કરીને બેટિંગ કરી રહ્યો હતો પરંતુ જેવું તેનું સિલેક્શન પાક્કું થઇ ગયું કે તેને શાંતિ થઇ ગઈ અને તે બેફિકર થઈને રમવા માંડ્યો છે? ધરમસાલાની મેચમાં તો દુબેએ વિકેટ પણ નહોતી લીધી.

જો શિવમ દુબે ચેન્નાઈ સુપર કિંગ્સની બાકીની મેચોમાં પણ સારો દેખાવ નહીં કરે તો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન વધી જશે. ભારતીય ટીમના મહત્વના ખેલાડીઓનું ફોર્મ સારું નથી જેમાં હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ઋષભ પંત ઉપરાંત ખુદ કેપ્ટન રોહિત શર્મા સામેલ છે. એવામાં જો આ લિસ્ટમાં શિવમ દુબે પણ ઉમેરાશે તો? આ પ્રશ્ન ભારતીય ક્રિકેટ ચાહકોને જરૂર ટેન્શન અપાવશે.

ભારત T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ આયરલેન્ડ સામે 5 જૂને રમશે.

Back to top button