અમદાવાદ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સ વિભાગની વ્યાજ માફી યોજનાના અમલની કવાયત શરૂ કરવામાં આવી છે. તા.6 જાન્યુઆરીથી સીલિંગ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં દરેક ઝોનમાં રોજ 50 મિલકત સીલ કરાશે. તથા ઝૂંપડાઓ માટે જૂની ફોર્મ્યુલામાં વ્યાજમાં 100 ટકા રકમ માફી અપાશે. AMCના ટેક્સ વિભાગ દ્વારા જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ બાકી ટેક્સની રકમ વસૂલાતની નેમ સાથે રહેણાંક અને કોમર્શિયલ ટેક્સના બાકીદારો માટે વ્યાજ માફી સ્કીમનો અમલ કરવાની કવાયત હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં લાખો ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે!, જાણો શું છે કારણ
વ્યાજ માફી સ્કીમમાં ‘વહેલા તે પહેલા’ના ધોરણે નાગરિકોને લાભ મળશે
રેવન્યુ કમિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યાજ માફી સ્કીમમાં ‘વહેલા તે પહેલા’ના ધોરણે નાગરિકોને લાભ મળશે. ચાલી અને ઝૂંપડાઓ માટે જૂની ફોર્મ્યુલામાં વ્યાજમાં 100 ટકા રકમ માફી અપાશે. જ્યારે અન્ય કેટેગરીમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલ કેટેગરીમાં ત્રણ મહિના દરમિયાન જુદા જુદા દરે વ્યાજ માફીનો લાભ અપાશે. ટેક્સ વિભાગમાં 15000 જેટલી જે અરજીઓ પેન્ડિંગ છે અને તે પૈકી મોટાભાગની ખાલી- બંધની અરજીઓ પડી છે. નામ ટ્રાન્સફર સહિતની અરજીના પેન્ડિંગ અંગે દર 15 દિવસે ડે. ટેક્સ એસેસર પાસે વિગતો માંગવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં GSTની આવકનો આંકડો વાંચી આંખો થઇ જશે પહોળી
ત્રણ મહિના માટે આ સ્કીમ અમલમાં મૂકાશે
સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પછી તા. 6 જાન્યુઆરીથી તા. 31 માર્ચ, 2023 એટલેકે લગભગ ત્રણ મહિના માટે આ સ્કીમ અમલમાં મૂકાશે. વર્ષ 2021 – 22 સુધીના નાણાકીય વર્ષ સુધીના ટેક્સમાં આ વ્યાજ માફીની સ્કીમ લાગુ પડશે. ચાલુ નાણાકીય વર્ષમાં આ સ્કીમ લાગુ પડશે નહીં. બાકીદારોને નોટિસ આપવા છતાં ટેક્સ નહીં ભરનારની મિલકતો સીલ કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. તા. 6 જાન્યુઆરીથી દરેક ઝોનમાં રોજની 50 મિલકતો સીલ કરાશે અને તેમ છતાં ટેક્સ નહીં ભરનારાઓના પાણી – ગટરના કનેક્શન કાપવાના પગલાં લેવાશે અને બાકી ટેક્સ ધારકોને ઢોલ નગારા વગાડીને તેમના નામ જાહેર કરવામાં આવશે.