ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતમનોરંજનવિશેષ

સંજય ગોરડિયાના નવા “નાટક” સામે ગુજરાત અને મુંબઈનાં મહિલા આગેવાનોમાં તીવ્ર આક્રોશ

અમદાવાદ, 21 ઑક્ટોબર, 2024: ગુજરાત અને મુંબઈના અનેક મહિલા આગેવાનો, લેખિકા આજે સોશિયલ મીડિયા ઉપર તીવ્ર આક્રોશ વ્યક્ત કરી રહી છે. તેમનો આ આક્રોશ સંજય ગોરડિયાના આગામી નાટક ત્રંબક ત્રણ બાયડીવાળોના પોસ્ટર સામે છે. ગોરડિયાએ નાટકનું જે પોસ્ટર તૈયાર કર્યું છે તેમાં તે પોતે ત્રણ મહિલાના ચોટલા પકડીને જાણે પશુઓને હંકારતો હોય એવું દૃશ્ય બનાવ્યું છે.

ગોરડિયાના આ ચીપ અને સડકછાપ પોસ્ટર સામે અનેક સંવેદનશીલ મહિલા આગેવાનો ઉપરાંત બીજા પણ અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે અને ગોરડિયાને તેનું પોસ્ટર પાછું ખેંચવા અપીલ કરી છે. મહિલાઓને ઊતારી પાડતા સાવ ચીપ નાટકો, તેના ડાયલોગ, તેમાં ચિત્રિત કરાતાં મહિલાઓનાં પાત્રો સામે આ મહિલા આગેવાનોએ સોશિયલ મીડિયા દ્વારા નારાજગી વ્યક્ત કરી છે.

લેખિકા અને ભૂતપૂર્વ રેડિયો એનાઉન્સર કુસુમ પટેલે તેમના સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે,

“જો તમે સ્ત્રીને આદરભાવ આપતા હોવ તો તમને આ નાટકના પોસ્ટર સામે વાંધો હોવો જ જોઈએ. નાટક પ્રસ્તુત થાય ત્યારે આવાં નાટકોને પ્રોત્સાહન આપવું કે નહિ એ પણ જવાબદારી પૂર્વક નક્કી કરવું પડે.

“આડ વાત ….
“એક ગુજરાતી પ્રેક્ષક તરીકે આપણું સ્તર ક્યાં ગયું ?

“છેલ્લા કેટલાક દશકના નાટકો પર નજર નાખીએ તો ગણ્યાગાંઠ્યા નાટકોને બાદ કરી બાકી બધે એકનું એક જ ભજવાય છે.

“આપણી ગુજરાતી પ્રજાને ફાફડા-જલેબી- થેપલા , પતિ પત્નીના હલકા વોટ્સએપ જોક પર ગલગલિયાં થાય ત્યાં સુધી હસવા સિવાય બીજું કંઈ જોવું નથી ?

“વળી કોઈ નાટકના એક શ્વાસે બોલાતા લાંબાલચક ડાયલોગ અથવા કોઈ ફિલ્મી ગીત પર કઢંગો નાચ જોઈ આપણે વન્સમોર કરાવશું!!

“આ બધા વચ્ચે એક સજ્જ પ્રેક્ષક તરીકે આપણી કિંમત કેટલી ?

“જો જો આ નાટકના પણ શો ફૂલ થશે બધા સોશિયલ ગ્રુપના આયોજકો એક પછી એક આના શો પોતાના ગ્રુપ માટે ગોઠવશે અને એ પણ ડિનર સાથે અને આપણે ઉલળી ઉલળીને ભરેલા પૈસા વસૂલ કરવા દોડી જશું. શો હાઉસફૂલ 😑
“આપણે જોઈએ છીએ એટલે આવા નાટકો ભજવાય છે.

“પ્રેક્ષક તરીકે આપણે બદલાશું તો નાટકો બદલાશે.

હવે આ?”

એવો જ આક્રોશ સમર્થ લેખિકા, કવયિત્રી અને કૉલમિસ્ટ રાજુલબેન ભાનુશાળીએ પણ તેમના સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું,

“નાટક લખનાર અને બનાવનાર કરતા આ ત્રણ મહિલા કલાકારો તરફ વધુ અણગમો થાય છે.

ગુજરાતી નાટકોની જે માઠી દશા બેઠી હતી એ જો આવું જ રહેશે તો ક્યારેય ઉતરશે નહીં. મનોરંજનના નામે સાવ આવું કરવાનું!

“જોવા જનારનો પણ વાંક તો ખરો.

“તા. ક. Angry emoji ના મૂકશો plz.

#shameless”

સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે ત્યારે તેના જવાબમાં રાજુલબેન કહે છે, “ગુજરાતી નાટકોની માઠી દશા તો દાયકાઓ પહેલા બેઠી છે. પણ હમણાંથી સંસ્થાઓ આમંત્રણ આપે, આખી જ્ઞાતિ માટે ઓડિટોરિયમ બુક થાય અને શો થાય, જ્વેલ સહેલી ને જૈન જાગૃતિ જેવા ગ્રુપ ઉપડ્યા છે તે માસ બુકિંગ કરે અને શો કરવા બોલાવે એમાં વળી પાછા આ લોકોનો ચીચોડો ચાલતો થઈ ગયો છે.”

દરમિયાન, સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મહિલા અગ્રણીઓનો આક્રોશ નાટકના લેખક-દિગ્દર્શક સુધી પહોંચ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ આ પોસ્ટર હટાવી લેશે.

વાસ્તવમાં ગુજરાતીમાં, ખાસ કરીને ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકોમાં શુદ્ધ હ્યુમર સાવ જવલ્લે જ જોવા મળે છે. બાકી ઘણાં વર્ષથી મનોરંજનના આ બંને મંચ ઉપર મહિલાઓ વિશે કાયમ ચીપ ડાયલોગ અને ચીપ દૃશ્યો ભજવાતાં રહ્યા છે. કદાચ એ જ કારણે સિદ્ધાર્થ રાંદેરિયા જેવા કથિત રીતે લોકપ્રિય થઈ ગયા છે જેના 90 ટકા ડાયલોગ અને વીડિયો મહિલાઓની મજાક ઉડાડતા હોય છે.

ગોરડિયાના આ નાટકના પોસ્ટર સામે અન્ય એક અગ્રણી લેખિકા વંદનાબેન ભટ્ટે પણ આક્રોશ અને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું,

“આબરૂ નો ઠેકો ધરાર સ્ત્રી ઓને પકડાવી ને પુરુષ રખડતો રહ્યો,બોલતો રહ્યો છે બેફામ. ધાણીફૂટ અપશબ્દો બોલે. પુરુષોને રોકી ન શક્યા એટલે છોકરીઓ પણ બોલતી થઈ ગઈ,યુ નો, મોર્ડન કહેવડાવવું છે. યા..યા.. ઉહ..આઉચ.. હિંમતવાળી બતાવવા અભદ્ર ભાષાનો પ્રયોગ અને ચિત્ર વિચિત્ર વેશભૂષા નહીં પણ આવા પોસ્ટર ને ઉતરાવવા નો સમય આવી ગયો છે. જાગો સ્ત્રીઓ જાગો.
ઓ.ટી.ટી. પર બેફામ અપશબ્દો બોલતા સીરીયલ નો બહિષ્કાર કરીએ.
કોઈ સ્ત્રી ને હેરાન કરવા માં આવે ત્યારે સાથે બોલીએ.”

છેલ્લે મળતા અહેવાલ મુજબ, સંજય ગોરડિયા તેમના આ “નાટક”નું પોસ્ટર બદલી કાઢવા તૈયાર થયા છે, પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, નાટકના પોસ્ટરમાં સ્ત્રીઓને આટલી ખરાબ રીતે ચીતરનારા લેખક, દિગ્દર્શક, નિર્માતાએ ડાયલોગમાં પણ કેટલી છૂટ લીધી હશે? શું એવા ડાયલોગ હશે તો નિર્માતા-દિગ્દર્શક તેને બદલશે ખરા?

આ તમામ મહિલા અગ્રણીઓએ એક બાબત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે, મહિલાઓને હાસ્યાસ્પદ બનાવતા આવા લોકોના નાટક, વીડિયો દર્શકો જૂએ છે અને તેની સામે આક્રોશ વ્યક્ત નથી કરતા એટલે જ કદાચ આવી બાબતોને પ્રોત્સાહન મળવાનું ચાલુ રહેતું હશે. ગુજરાતી દર્શકો, પ્રેક્ષકો, શ્રોતાઓ જો આવું જોવા-સાંભળવાનું બંધ કરે તો પૂરી શક્યતા છે કે સંજય ગોરડિયાએ જે રીતે મહિલાઓને ચોટલા પકડીને જે નિમ્ન સ્તરનું પોસ્ટર બનાવ્યું જ ન હોત!

આ મુદ્દે સુરતનાં દીનાબેન રાયચુરાએ પણ ઘણી સબળ રજૂઆત કરીને તેમના સોશિયલ મીડિયા ઉપર વિસ્તૃત ટિપ્પણી કરી છે. દીનાબેને મુખ્યત્વે ગુજરાતી પ્રેક્ષકોને તેમજ ગોરડિયાના આ નાટક – ત્રંબક ત્રણ બાયડીવાળોના પોસ્ટર માટે પોઝ આપનાર મહિલાઓને પણ સંબોધન કર્યું છે. તેઓ લખે છેઃ

“જાવ ગુજરાતીઓ જાવ.. બુદ્ધિ વગરના અને વલ્ગર સંવાદો પર અને ભદ્દી શારીરિક હિલચાલ (જેને અભિનય કહીને હું અભિનય શબ્દનું અપમાન કરવા નથી માગતી ) પર ખિખિયાટા કરવા.

પોસ્ટર જ એટલું બેહુદું છે કે નાટકની કક્ષા કેવી હશે એ સમજ પડી જાય છે.
આ ત્રણ અભિનેત્રીઓ, એમને આ પોઝ આપવો ગમ્યો હશે? એ લોકોએ કેવી રીતે કબૂલ રાખ્યું હશે પોતાને આવી રીતે પ્રેઝન્ટ કરવાનું?
દુઃખની વાત એ છે કે પારિવારિક ગ્રુપના સભ્યો, એમની પત્નીઓ સાથે આ નાટક જોવા જશે.
આપણા ગુજરાતીઓ જેવી રીતે મધ્યાંતરમાં સમોસા, વડાપાવ કે સેન્ડવિચ બીજા કયા ઓડિટોરિયમની સારી આવે એની ચર્ચા કરે એટલી જ સહજતાપૂર્વક કોઈ સંવાદની ચર્ચા કરશે અને આજુબાજુ ઊભેલી અજાણી સ્ત્રીઓ સંકોચાઈ જાય એટલા વોલ્યુમમાં કરશે અને ખિખિયાટા મારી હસશે.
શૈલેષ દવે, કાંતિ મડિયા, પ્રવીણ જોશી તમે સહુ બહુ યાદ આવો છો…
અકસ્માત, ત્રેવીસ કલાક બાવન મિનિટ, કૂંપળ ફૂટ્યાની વાત, મહારથી, મૂળરાજ મેન્શન, ચિત્કાર, કુમારની અગાશી, સંતુ રંગીલી.. સવિતા દામોદર પરાંજપે.. આ તો થોડાક નામ છે જેના અમુક દૃશ્યો અને સંવાદો લગભગ ચાલીસ વર્ષ પછી પણ યાદ છે અને નજર સામે તરવરે છે.
આ બધાં નાટકો કોઈપણ મંડળોના સપોર્ટ વગર હાઉસફુલ તો ગયા જ છે પ્લસ સુવર્ણ જયંતિ પ્રયોગ, 100 પ્રયોગ ઉજવ્યા છે.
આજે આ લખતી વખતે દુઃખ થાય છે અને ગુસ્સો પણ આવે છે કે મુંબઈ રંગભૂમિ હવે પોતાનું સત્વ અને સ્તર ગુમાવી રહી છે.
અમુક નાટકો આવી જાય છે મન ખુશ કરી દે એવા..
બાકી હવે ગુજરાતી નાટકો એટલે આ બેહુદગી? કોઈ પણ હિન્દી ફિલ્મના કોઈ બકવાસ ગીત પર નાયિકાનો બેહુદો ડાન્સ અને ઓડિયન્સનું વન્સ મોર?
વિચારજો આપણે આવી બેહુદગીને પ્રોત્સાહન આપી ક્યાં જઈ રહ્યાં છીએ?
એક દ્વિઅર્થી સંવાદ મારા તરફથી, ગુજરાતીઓ માટે..
સડેલી પાણીપુરીની રેંકડીઓ ચાલે છે કારણકે લોકોના ટેસ્ટ બડ્સ આ લોકોએ સડેલી વાનગીઓ તરફ વાળી લીધાં છે..
સડેલી વાનગીઓ નકારાશે તો જ કંઈક સાત્વિક પિરસાશે.
તા. ક. વાંચીને લોહી ઉકળે તો પણ એન્ગ્રી ઇમોજી ના મૂકશો. બને તો મુંબઈના મિત્રો સાથે શેર કરશો. ખાસ કરીને મહિલાઓ.
બહેનો, આપના સખી ગ્રુપના હોદ્દેદારોને પ્લીઝ આ નાટકને સપોર્ટ ના કરવા વિનંતી..
આપણી સંસ્કૃતિમાં બહુપત્નીત્વ ક્યારનું ઉખાડીને ફેંકી દેવાયું છે. તો આ શું છે? શેને માટે છે? આપણે દરવાજે આ શેના ટકોરા છે?”

આ પણ વાંચોઃ ફિલ્મો વિવિધ સંસ્કૃતિઓના સમન્વયમાં સેતુરૂપ બની એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર કરે છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

Back to top button