વીમા કંપનીઓને છેલ્લા 9 વર્ષમાં રૂ. 53,900 કરોડનું FDI પ્રાપ્ત થયું
નવી દિલ્હી, 18 માર્ચ: દેશમાં છેલ્લા નવ વર્ષમાં વીમા ક્ષેત્રે રૂ. 53,900 કરોડનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) આવ્યું છે. FDIમાં વધારો વિદેશી રોકાણના માપદંડના કારણે શક્ય બન્યું છે. આ અંગે નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સરકારે વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 2015માં 26%થી વધારીને 49% કરી હતી અને પછી તેને 2021માં સુધારીને 74% કરી. તેમણે કહ્યું કે સરકારે વર્ષ 2019માં વીમા મધ્યસ્થી કંપનીઓ માટે માન્ય FDI મર્યાદા વધારીને 100% કરી છે.
વીમા કંપનીઓની સંખ્યામાં વધારો થયો
વિવેક જોશીના જણાવ્યા અનુસાર, સરકારના આ પગલાંને કારણે ડિસેમ્બર 2014થી જાન્યુઆરી 2024 વચ્ચે વીમા કંપનીઓમાં કુલ રૂ. 53,900 કરોડનું FDI પ્રાપ્ત થયું છે. જોશીએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓની સંખ્યા જાન્યુઆરી 2024 સુધીમાં 53થી વધીને 70 થઈ ગઈ. મહત્ત્વનું છે કે, IRDAIએ વિદેશી કંપનીઓને મંજૂરી આપતાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ વધ્યું છે.
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI)એ ઓગસ્ટ 2000માં નોંધણી માટેના આમંત્રણ સાથે બજાર ખોલ્યું. જેમાં વિદેશી કંપનીઓને 26% સુધીની માલિકીની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી ભારતમાં ઘણી વીમા કંપનીઓએ તેમની કામગીરીને વેગ આપવા માટે સીધા વિદેશી રોકાણ (FDI) આકર્ષ્યા છે. HDFC લાઇફ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ, મેક્સ લાઇફ અને અન્ય જેવી ખાનગી જીવન વીમા કંપનીઓએ વર્ષોથી નોંધપાત્ર FDI આકર્ષિત કર્યું છે. આ કંપનીઓએ વિદેશી વીમા કંપનીઓ સાથે ભાગીદારી સ્થાપી છે, જેના કારણે વીમા કંપનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો.
આ પણ વાંચો: 15 દિવસમાં 40,700 કરોડ, શું વિદેશી રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધી રહ્યો છે?