બાળકના ઘા ઉપર ટાંકા લેવાને બદલે નર્સે ફેવીક્વિક લગાવી? જાણો આ આઘાતજનક ઘટના વિશે


હાવેરી, 7 ફેબ્રુઆરી : કર્ણાટકની એક સરકારી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક નર્સે ઘાને ટાંકા કરવાને બદલે ‘ફેવીક્વિક’ લગાવ્યું હતું. આ કેસમાં નર્સને સસ્પેન્ડ કરવામાં આવી છે. રાજ્ય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતાના પગલે નર્સને સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ મામલો કર્ણાટકના હાવેરી જિલ્લાના અદૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો છે. આ ઘટના 14 જાન્યુઆરીએ બની હતી. 14 જાન્યુઆરીએ સાત વર્ષના ગુરુકિશન અન્નપ્પા હોસામાનીના ગાલ પર ઈજા થઈ હતી. ગાલ પર ઉંડા ઘામાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. જે બાદ બાળકના માતા-પિતા તેને અડૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર નર્સે કંઈક એવું કર્યું જેને જોઈને બધા ચોંકી ગયા હતા.
બાળકની ઈજાને ટાંકા આપવાને બદલે નર્સે ફેવીક્વિક લગાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેના માતા-પિતાએ અટકાવ્યા ત્યારે તેણે કહ્યું કે તે વર્ષોથી આવું કરી રહી છે. સ્ટીચિંગ બાળકના ચહેરા પર કાયમી ડાઘ છોડી જશે. આનાથી કંઈ થશે નહીં. બાળકના માતા-પિતાએ આ ઘટનાની નોંધ કરી હતી.
આ પછી નર્સ જ્યોતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ નર્સ સામે કોઈ કાર્યવાહી ન થતાં તેણીને સસ્પેન્ડ કરવાને બદલે અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 3 ફેબ્રુઆરીએ તેમની બદલી હાવેરી તાલુકાની ગુથલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવી હતી.
આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. જે બાદ કર્ણાટક સરકારે મામલાની નોંધ લીધી હતી. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. બુધવારે રાજ્ય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નર્સને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા કમિશનરની કચેરી દ્વારા આ અંગેનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે ફેવીક્વિક એ એડહેસિવ સોલ્યુશન છે. અને નિયમો હેઠળ તેને તબીબી ઉપયોગ માટે મંજૂરી નથી. પ્રારંભિક અહેવાલના આધારે, નર્સને સસ્પેન્ડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. બાળકને સારવાર આપવામાં આવી છે. તેમની તબિયત સારી છે.
આ પણ વાંચો :- અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં આવકવેરા વિભાગના દરોડા