ઇન્સ્ટાગ્રામે અશ્લીલ કન્ટેન્ટને બ્લર કરવાનું શરૂ કર્યું, કહ્યું- યુવાનોની સુરક્ષા માટે પગલાં જરૂરી
- યુવાનોની સુરક્ષા માટે ઇન્સ્ટાગ્રામ લાવશે નવું ફીચર
- મેસેજ બોક્સમાં જો કોઈ અશ્લીલ સામગ્રી મુકશે તો ઇન્સ્ટાગ્રામ તેને કરશે બ્લર
HD ન્યૂઝ ડેસ્ક, 12 એપ્રિલ: ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ યુવાનોની સુરક્ષા અને જાતીય સતામણીનો સામનો કરવા માટે નવા પગલાં લઈ રહ્યું છે. તેમાં એક ફીચર પણ સામેલ છે જે મેસેજમાં રહેલી અશ્લીલ સામગ્રીને આપમેળે બ્લર કરશે. આ નવા ફીચરથી કોઈ મેસેજ બોક્સનો દુરઉપયોગ કરી શકશે નહીં. આ ફીચર આવવાથી જાતીય સતામણી જેવા અનેક કેસોની સંખ્યામાં ઘટાડો થશે.
યુવાનોની સુરક્ષા માટે જરૂરી પગલાં
ઇન્સ્ટાગ્રામ અને અન્ય ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ યુવાનોની સુરક્ષા માટે જરૂરી પગલાં ન લેવા બદલ ટીકાનો સામનો કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામે ગુરુવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે જાતીય સતામણી અને ફોટોગ્રાફ્સના દુરુપયોગની ઘટનાઓને પહોંચી વળવા અને ગુનેગારો માટે કિશોરો સાથે સંપર્ક કરવાનું મુશ્કેલ બનાવવા માટે સંખ્યાબંધ પગલાંનું પરીક્ષણ કરી રહ્યું છે.
ઇન્સ્ટાગ્રામે કહી આ વાત
ઇન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે ગુનેગારો નગ્ન ફોટો મેળવવા માટે મેસેજ બોક્સનો ઉપયોગ કરે છે. આને રોકવા માટે ટૂંક સમયમાં જ એક નગ્નતા સુરક્ષા સુવિધાનું પરીક્ષણ શરુ કરવામાં આવી રહ્યું છે અને તે આપમેળે નગ્નતાના ફોટાને બ્લર કરશે અને લોકોને નગ્ન ફોટા મોકલતા પહેલા બે વાર વિચારતા કરી દેશે.
અશ્લીલ ફોટોગ્રાફ્સ ઓનલાઈન માંગવા ગુનો
કોઈ વ્યક્તિને અશ્લીલ ફોટોગ્રાફ્સ ઓનલાઈન મોકલવા માટે સમજાવવા કે મનાવવા અને પછી પીડિતાને પૈસા માટે અથવા તો સંબંધ ન બનાવવા પર ફોટોગ્રાફ્સને વાયરલ કરવાની ધમકી આપવી, આવા ગુનાઓ જાતીય સતામણી અથવા ‘સેક્સટાર્શન’માં સમાવેશ થાય છે.
આ પણ વાંચો: હવે તમારો ફોન સ્વીચ ઓફ હશે તો પણ તમે ટ્રેક કરી શકશો, ગૂગલે અપડેટ કર્યું આ ફીચર