ગુજરાત

પાલનપુરના યુવાનનું પ્રેરણાદાયી કાર્ય : હાથ લાંબો કરવો ન પડે માટે વડીલોને યોજનાનો લાભ અપાવ્યો

Text To Speech

પાલનપુર: રાજ્ય સરકારની એવી ઘણી યોજનાઓ છે, જે સાચા લાભાર્થીઓને ખબર ન હોવાથી અથવા સરકારી કચેરીઓની જાણકારીના અભાવે તેનો લાભ લઈ શકતા નથી. પરંતુ સદભાવના ગ્રુપ ચલાવતા પાલનપુરના યુવાન હરેશભાઈ ચૌધરીએ આ વડીલોનેને મદદ કરવા માટે સરકારી કચેરીઓનું સંકલન કરીને સેવાનું કાર્ય કર્યું છે.

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના ડોક્યુમેન્ટ એકઠાં કરી કામગીરી પૂર્ણ કરાવી
હરેશભાઈ ચૌધરી કહે છે કે, ‘ડિગ્રીઓ ફક્ત ચુકવેલી ફી ની રિસીપ્ટ છે. વ્યવહાર જ સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે.’ જીવનની સંધ્યાએ પહોંચેલા ઘરડા ઘરના વડીલો પોતાનું જીવનનિર્વાહ ચલાવવા નાના- મોટા ખર્ચ માટે ક્યાં હાથ લાંબો ક્યાં કરે ? ત્યારે આ તમામ વડીલોના ડોક્યુમેન્ટ હરેશભાઈએ એકત્રિત કર્યા હતા. અને વૃદ્ધાશ્રમમાં ઘેરબેઠાં વૃદ્ધ સહાય યોજના તેમજ વિધવા પેન્શન યોજના જેવી અનેક સરકારી યોજનાઓના લાભ સરકારી કચેરીઓ જોડે સંકલન કરી શરૂ કરાવ્યા છે.હવે વડિલોને નાના-મોટા ખર્ચ માટે હાથ લાંબો કર્યા વગર સીધા એમના ખાતામાં મહિને રૂપિયા ૧૨૦૦થી ૧૫૦૦ મળવાના શરૂ થઈ ગયા છે.હરેશભાઈ ચૌધરી જણાવે છે કે, કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોલેજનો ઉપયોગ કરી તેમની આજુબાજુ રહેતા જરૂરિયાતમંદોને સરકારી યોજનાના લાભ અપાવે એ પણ મોટું સેવાનું કાર્ય છે.

સદભાવના ગ્રુપ વડીલોને વિનામૂલ્યે યાત્રા કરાવે છે
સદભાવના ગ્રુપ ચલાવતા હરેશભાઈ ચૌધરી વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલોને બસમાં વિનામૂલ્યે અંબાજી જેવા તીર્થ સ્થાને પોતાના સ્વખર્ચે યાત્રા કરાવીને વડીલોના આશીર્વાદ મેળવે છે. તેઓ ઉનાળાના સમયમાં પોતાના જન્મદિવસે વર્ષોથી મિનરલ વોટર પાણીની પરબ પાલનપુરના ગુરુનાનક ચોકમાં દર વર્ષે ચાલુ કરે છે.

Back to top button