ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, દૂધના ભાવ વધારો થતાં દૂધની કિમત 210 થઈ

  • ફરી એક વાર પાકિસ્તાનમાં દૂધના ભાવમાં થયો વધારો
  • પાકિસ્તાનના કરાચીમાં દૂધના ભાવ વધીને 210 રુપિયા થયા

કરાચી, 7 મે: પાકિસ્તાનમાં મોંધવારી આસમાને પહોંચી છે. સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓની વધતી જતી મોંઘવારીએ લોકોની થાળીમાંથી રોટલી અને બાળકોના મોંમાંથી દૂધ છીનવી લીધું છે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ દેવાના બોજથી દબાયેલા પાકિસ્તાનમાં લોટથી લઈને દૂધના વધતા ભાવ જ કહી રહ્યા છે. લોકો 200 રૂપિયા પ્રતિ લીટર કરતા મોંઘુ દૂધ ખરીદીને પી રહ્યા છે, જ્યારે એક કિલો લોટ ખરીદવા માટે પાકિસ્તાની લોકો 800 પાકિસ્તાની રૂપિયા ખર્ચવા પર મજબૂર બન્યા છે.

ફરી એક વાર પાકિસ્તાનમાં દૂધના ભાવમાં થયો વધારો

પાકિસ્તાનમાં દૂધના ભાવ 200 રૂપિયાને પાર પહોંચી ગયા છે. એઆરવાય ન્યૂઝના અહેવાલ મુજબ, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોને દયનીય બનાવી દીધા છે. અહીં ડેરી ફાર્મર્સ એસોસિએશનની માંગને લીલી ઝંડી આપતાં કરાચીના કમિશનરે દૂધના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાના વધારાને મંજૂરી આપી છે. આ પછી હવે પાકિસ્તાનના આ શહેરમાં લોકોને એક લિટર દૂધ માટે 210 પાકિસ્તાની રૂપિયા ખર્ચવા મજબૂર બન્યા છે.

હજી પણ દૂધના ભાવમાં થઈ શકે છે રુપિયા 50 સુધીનો વધારો

પેટ્રોલ-ડીઝલ, વીજળી અને ગેસની અછતનો સામનો કરી રહેલ પાકિસ્તાની જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે અને સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ થતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, દૂધની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાની સંભાવના હતી, પરંતુ તેમાં માત્ર 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જો કે, ડેરી ફાર્મર્સ કરાચીના પ્રમુખ મુબશેર કાદિર અબ્બાસીએ દૂધ ઉત્પાદનની કિંમતમાં વધારાને ટાંકીને સંકેત આપ્યા છે કે શહેરના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને ટૂંક સમયમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 50 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે.

ચોખાથી માંડી કેળા, સેવ સુધીના ભાવ આસમાને…

કરાચીમાં માત્ર દૂધ જ નહીં પણ લોટ, દાળ, ચોખા અને કેળા-સેવની પણ અછત વર્તાઈ રહી છે. દેશમાં એક કિલો ચોખા 200થી 450 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તો સેવ 150 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પાકિસ્તાનમાં એવા સમયે ખાદ્યપદાર્થોની કિંમતોમાં ભારે વધારો થઈ રહ્યો છે જ્યારે દેશમાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. પાકિસ્તાનનો ફુગાવો એપ્રિલમાં ઘટીને 17.3 ટકા થયો હતો, જે છેલ્લા બે વર્ષમાં સૌથી નીચો છે.

મે 2023માં ફુગાવાનો દર સૌથી વધુ

નોંધનીય છે કે ગયા વર્ષે મે 2023માં પાકિસ્તાનમાં મોંઘવારી હાહાકાર મચાવી રહી હતી અને તેનો દર 38 ટકાને પાર કરી ગયો હતો, જે એશિયામાં સૌથી વધુ હતો. પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો સરકારી આંકડા મુજબ શહેરી વિસ્તારોમાં ટામેટાંના ભાવમાં 188 ટકા, ડુંગળીમાં 84 ટકા, મસાલાના ભાવમાં 49 ટકા, ખાંડના ભાવમાં 37 ટકા, માંસના ભાવમાં 22 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો: મુસ્લિમ દેશોની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ કરી ટિપ્પણી, કોઈ દેશનું ન મળ્યું સમર્થન

Back to top button