ટોપ ન્યૂઝબિઝનેસ

મોંઘવારીથી પરેશાન US ફેડ રિઝર્વ બેંકે ફરી વ્યાજદરમાં વધારો કર્યો, 2008 પછી સૌથી ઉંચા લેવલે પહોંચ્યા દર

Text To Speech

કોરોના મહામારી અને રશિયા યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરની અર્થવ્યવસ્થા ઘણાં જ કપરાં સમયમાંથી પસાર થઈ રહી છે. ભારત સહિત દુનિયામાં મોંઘવારી વધી રહી છે. દુનિયાની મહાશક્તિ અમેરિકામાં પણ તેની ઘણી જ ખરાબ અસર જોવા મળી રહી છે. અમેરિકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડ્યા છે, જેના કારણે લોકોના જીવન ભારે પ્રભાવિત થઈ રહ્યાં છે. આવામાં દેશના ઈન્ફ્લેશન રેટને કંટ્રોલ કરવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે મહત્વનો અને મોટો નિર્ણય કરતા પોતાના વ્યાજ દરમાં ફરી વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ફેડરલ બેંકે વ્યાજદરમાં 75 બેઝીસ પોઈન્ટનો વધારો કર્યો છે.  સાથે જ વ્યાજદર વધીને 3થી 3.25% થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2008ની મંદી પછીથી આ વ્યાજદર અત્યાર સુધીના સૌથી વધુ છે.

બુધવારે લીધો નિર્ણય
મીડિયા રિપોર્ટસ મુજબ દેશમાં વધતી મોંઘવારીને લઈને ફેડરલ રિઝર્વ બેંકના અધિકારીઓએ ઉચ્ચસ્તરીય મીટિંગ મળી હતી. આ મીટિંગમાં દેશમાં વધતી મુદ્રાસ્ફીતિ દરને કંટ્રોલ કરવાની રીત અંગે ચર્ચા કરાઈ હતી. જે બાદ ફેડરલ બેંકે વ્યાજ દરમાં 75 બેઝીસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી. આ જાણકારી બેંકના ચેરમેન જેરોમી પોવેલે કરી. આ નિર્ણયથી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો લાગે તેવી શક્યતા છે.

લોન મોંઘી થશે
આ મામલે જાણકારી આપતા જેરોમી પોવેલે કહ્યું કે ફેડરલ બેંક દેશમાં વધતી મોંઘવારીને કંટ્રોલ કરવા માટે સંભવિત દરેક પગલાં ઉઠાવશે. આ સાથે જ તેમને કહ્યું કે ભવિષ્યમાં પણ મોંઘવારીને કાબૂમાં રાખવા માટે બેંક આ પ્રકારના પગલાં ભરી શકે છે. ત્યારે અનેક જાણકારોનું માનવું છે કે ફેડરલ બેંક પોતાના વ્યાજ દર આ વર્ષના અંત સુધીમાં 4.40% અને આગામી વર્ષ સુધી 4.60% સુધી વધી શકે છે. જેનાથી માર્કેટમાં વસ્તુની ડિમાન્ડ ઓછી થશે અને મોંઘવારીને કંટ્રોલ કરવામાં મદદ મળશે. આ સાથે જ આ નિર્ણયથી લોન પણ મોંઘી થશે અને તેનાથી અમેરિકાની અર્થવ્યવસ્થા પર વધુ દબાણ વધશે. વ્યાજદરમાં વધારાથી દેશમાં બેરોજગારી પણ વધી શકે છે.

ફેડરલ રિઝર્વ બેંકે ત્રીજી વખત વ્યાજદર વધાર્યા
US ફેડરલ રિઝર્વ બેંકે દેશમાં વધતી મોંઘવારીને કંટ્રોલ કરવા માટે સતત વ્યાજદરમાં વધારો કરે છે. બેંકે સતત ત્રીજી વખત પોતાના વ્યાજદરમાં વધારો કર્યો છે અને હવે આ વ્યાજદર 3%થી વદીને 3.25% સુધી પહોંચી ગયા છે. અમેરિકામાં જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. ઈન્ફ્લેશને છેલ્લાં 40 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ કારણે બાઈડન પ્રશાસન સતત દબાણમાં છે.

અમેરિકાની અર્થવ્યવસ્થા માત્ર 0.2% વધશે
ફેડરલ બેંકના અધિકારીનું એવું અનુમાન છે કે આ નિર્ણયથી અમેરિકી અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે અને આ વર્ષે માત્ર 0.2 ટકાનો જ વધારો જોવા મળશે. પહેલાં એક્સપર્ટસે એવી આશા વ્યક્ત કરી હતી કે અમેરિકાની અર્થવ્યવસ્થા 1.7 ટકાના દરે વધશે, પરંતુ ફેડરલ બેંક દ્વારા સતત વ્યાજદર વધારવામાં આવતા તેની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. દેશમાં નોકરીઓના ઘટાડા સાથે બેરોજગારી પણ વધશે. આ કારણે આગામી વર્ષે મંદી પણ જોવા મળી શકે છે.

Back to top button