ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

મોંઘવારીનો મારઃ વિતેલા નાણાકીય વર્ષમાં ચા-દૂધથી લઈને અનેક ચીજોએ ખોરવ્યું ઘરનું બજેટ

નવી દિલ્હી, 3 એપ્રિલ, 2024: 31 માર્ચના રોજ પૂરા થયેલા 2023-2024ના નાણાકીય વર્ષ દરમિયાન દેશના સામાન્ય નાગરિકોને મોંઘવારીમાં ખાસ કોઈ રાહત મળી નથી. સવારે ચા પીવા માટે ઉપયોગમાં લેવાતા દૂધ, ખાંડ અને ચા પત્તીથી શરૂ કરીને શાકભાજી, ફળફળાદી અને દાળ-ચોખાની કિમતોએ પણ ગત નાણાકીય વર્ષમાં કોઈ રાહત આપી નથી.

એક અહેવાલ અનુસાર વિતેલા નાણાકીય વર્ષમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો સામે પક્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર આંશિક રાહત મળી છે. આ ગાળામાં ઘણી ચીજોની કિંમતમાં વધારો થયો તો ઘણી ચીજો અગાઉની સરખામણીમાં સસ્તી પણ થઈ.

કેટલા મોંઘાં થયાં દૂધ – ખાંડ?

દેશમાં મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચા સાથે થાય છે. એ માટે ઉપયોગમાં લેવાતાં દૂધ અને ખાંડ બંને ગતવર્ષ દરમિયાન મોંઘાં થયાં છે. છેલ્લા એક વર્ષ દરમિયાન દૂધ અને ખાંડના ભાવમાં ત્રણ-ત્રણ રૂપિયા કરતાં પણ વધારે વધારો થયો છે. 2023ના એપ્રિલના પ્રારંભે દૂધનો ભાવ (દિલ્હીમાં) 56 રૂપિયા લીટર હતો તે હવે વધીને 59 રૂપિયા થઈ ગયો છે. ગુજરાતમાં પણ છેલ્લા એક વર્ષમાં દૂધના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. એ જ રીતે ખાંડ 41 રૂપિયે કિલો હતી તે હવે 44 રૂપિયે મળે છે. આ તમામ ભાવો દિલ્હીના છે, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં કોઈ સારી સ્થિતિ નથી એ હકીકત છે.

ગેસના ભાવ અને રાજકારણ

ગત નાણાકીય વર્ષ દરમિયાન ઘર વપરાશના તેમજ કોમર્સિયલ વપરાશના ગેસના ભાવમાં ચડ-ઊતર જોવા મળી છે. ચૂંટણી આવે ત્યારે ભાવમાં ઘટાડો થાય અને ચૂંટણી ન હોય ત્યારે ભાવમાં વધારો થતો હોય એવી સરેરાશ લોકોની લાગણી હોય છે. વળી તેમાં સરકારી સબસિડીનાં ધોરણો પણ જે તે રાજ્યોમાં જે તે રાજકીય પક્ષની વિચારધારા અનુસાર બદલાતાં રહે છે. ઘર વપરાશના ગેસ સિલેન્ડરમાં છેલ્લા એક વર્ષમાં રૂપિયા 300નો ઘટાડો થયો છે તો કોમર્સિયલ ગેસના ભાવમાં પણ થોડા મહિના સુધી સતત વધારો થયા પછી હવે ચૂંટણી સમયે તેમાં ઘટાડો થયેલો જોવા મળે છે.

પેટ્રોલ – ડીઝલ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આમ તો આંતરરાષ્ટ્રીય ધોરણોની સરખામણીમાં ઘણા વધુ છે, પરંતુ કેન્દ્ર સરકારે એક્સાઈઝ વેરામાં અને અમુક રાજ્ય સરકારોએ વેટના દરોમાં ઘટાડો કર્યો હોવાથી બંનેના ભાવ નિયંત્રણમાં રહ્યા છે. અર્થતંત્રના મૂળભૂત નિયમ મુજબ વાહનોના ઈંધણના ભાવ જેટલા વધુ રહે તેટલા પ્રમાણમાં મોંઘવારીનો માર નાગરિકોએ સહન કરવો પડે. કદાચ આ જ કારણે કેન્દ્ર સરકારે ઈંધણની કિમતો નિયંત્રણમાં રાખી છે, પરિણામે અન્ય ચીજવસ્તુઓના ભાવો ઉપર પણ અસાધારણ વધારો જોવા મળતો નથી. એપ્રિલના પ્રારંભે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિમત 96 રૂપિયા હતા તે એક વર્ષ પછી હાલ 94 રૂપિયા છે. આનું કારણ એ છે કે, નાણાકીય વર્ષના છેલ્લા મહિને અર્થાત 15 માર્ચે દેશની પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે-બે રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો જેને કારણે આ બંને ઈંધણના ભાવમાં નાગરિકોને આંશિક રાહત મળી હતી.

આમછતાં, દાળ-ચોખાના ભાવે સામાન્ય વર્ગના નાગરિકોને ચિંતા ચોક્કસ કરાવી છે. એ જ રીતે શાકભાજીના ભાવ પણ ઓછા નહીં થવાથી પરિવારોના બજેટ ઉપર અસર જોવા મળે છે. દિલ્હીમાં ગયા નાણાકીય વર્ષના પ્રારંભે તુવેર દાળના ભાવ પ્રતિ કિલો 115 રૂપિયા હતા તે 33 રૂપિયા વધીને હાલ 148 રૂપિયે કિલો છે. એ જ રીતે આ ગાળામાં ચોખાના ભાવ પણ પ્રતિ કિલો 39 રૂપિયા હતો તે વધીને રૂપિયા 44 થયો છે. એ જ રીતે ઘઉંનો લોટ પણ ગયા વર્ષે 34 રૂપિયે કિલો મળતો હતો તે બે રૂપિયા વધીને હવે 36 રૂપિયે કિલો મળે છે.

શાકભાજી પણ પાછળ નથી!

આવશ્યક ખાદ્ય પદાર્થોની સાથે સાથે બટાકા-ટામેટાના ભાવે પણ ગૃહિણીઓના હાથ થોડા બાંધી દીધા છે. દિલ્હીમાં ટામેટાના ભાવ ગયા વર્ષે 22 રૂપિયે કિલો હતા તે હાલ 32 રૂપિયે કિલો વેચાય છે. એક તબક્કે તો ટામેટા, ડુંગળીના ભાવ સામાન્ય નાગરિકોની પહોંચની બહાર ચાલ્યા ગયા હતા એ પણ જાણીતું છે. બટાકાના સરેરાશ ભાવમાં પણ પાંચ રૂપિયાનો વધારો જોવા મળે છે.

આ પણ વાંચોઃ IIT બોમ્બેના પ્લેસમેન્ટમાં મોટો ઘટાડો: 36% વિદ્યાર્થીઓને નથી મળી નોકરીની ઓફર

Back to top button