મોંઘવારી સામે લડવા: લોકોએ બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને આવશ્યક ખર્ચ પર કાપ મુકવાની કરી શરૂઆત
હાલમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેની અસર મધ્યમ વર્ગની સાથે તમામ વર્ગ પર થઈ રહી છે. આ અંગે એક્સિસ માય ઈન્ડિયાના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ (CSI)દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં તમામ વર્ગના લોકો દ્વારા આવશ્યક અને બિન-આવશ્યક વસ્તુઓનો વપરાશ સતત ઘટી રહ્યો છે.
આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છેકે, છેલ્લા 3 થી 4 મહિનામાં લોકોએ ખાણી-પીણીથી લઈને તમામ પ્રકારના સામાન અને સેવાઓના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો ત્યારે લોકોએ તેનો વપરાશ જ ઓછો કરવાની કોશિશ કરી છે. એક્સિસ માય ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ ગુપ્તા કહે છે કે, ગ્રાહક પોતાનો ખર્ચ યથાવત્ રાખી રહ્યો છે પણ સામે વપરાશ વધારવાનો ઉત્સાહ ઓછો કર્યો છે.
જો કે અગાઉના વર્ષોની નાણાંકીય અસરોને જોવામાં આવે તો, લોકો મુખ્યત્વે રોગચાળા અને ફુગાવાની સ્થિતિમાં આ પ્રકારનું વલણ સ્વીકારી લેતાં હોય છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે, પરંતુ ગ્રાહકોનો મોટો વર્ગ હજુ પણ વધુ રાહતની રાહ જોઈ રહ્યો છે. આ સર્વેમાં એવા પરિબળોને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરવામાં આવી હતી કે જેના આધારે ગ્રાહકો ખરીદીના નિર્ણયો લે છે.
રિપોર્ટમાં સૌથી નોંધનીય બાબતો જો જોવામાં આવે તો, જે લોકો સ્માર્ટ ફોન પહેલાં 15 થી 16 મહિનામાં બદલી રહ્યા હતા જે હવે 24 મહિના પછી પણ બદલતા ખચકાઈ રહ્યા છે. જેના કારણે તેની અસર સ્માર્ટફોનના વેચાણ પર પણ પડી છે. વિશ્વભરમાં સ્માર્ટફોનના વેચાણમાં 10 ટકાનો ઘટાડો થયો છે. તેમજ આર્થિક અનિશ્ચિતતાને કારણે ગ્રાહકો એટલા ડરી ગયા છે કે તેઓ AC જેવી અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદીથી દૂર રહેવા લાગ્યા છે. આ કારણે મે મહિનામાં પણ ACના વેચાણમાં 25 ટકાનો ઘટાડો થયો છે.
ખાસ વાત રિપોર્ટમાં એ પણ સામે આવી છેકે હાલમાં 44 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે વ્યક્તિગત સંભાળ જેવી આવશ્યક વસ્તુઓ પરનો તેમનો ખર્ચ વધી ગયો છે. જયારે સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓના વપરાશના મામલામાં 35 ટકા પરિવારોએ કહ્યું કે વપરાશ વધ્યો છે. સ્વાસ્થ્ય સારી રાખવા માટે ખર્ચ કરવામાં લોકો માની રહ્યા છે. કારણ કે કોરોના કાળમાં લોકોએ પોતાની સ્વાસ્થ્ય અંગે સૌથી વધુ કાળજી રાખી છે.