ટોપ ન્યૂઝનેશનલ

મોંઘવારીએ તોડ્યો રેકોર્ડઃ 24 વર્ષ બાદ પહેલીવાર મોંઘવારીનો દર 15%ને પાર

Text To Speech

પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ હોય કે પછી જીવન જરૂરિયાતની અન્ય ચીજ-વસ્તુઓ. દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ પરિસ્થિતિમાં મધ્યમવર્ગ જીવે તે કેવી રીતે જીવે તેવો સવાલ ઉભો છે ત્યાં, મધ્યમવર્ગના પડતા પર પાટા જેવી સ્થિતિ ઉભી થઈ છે.

ડિસેમ્બર 1998 પછી પહેલીવાર જથ્થાબંધ મોંઘવારીનો દર 15 ટકાને પાર થઈ ગયો છે. ડિસેમ્બર 1998માં એ 15.32 ટકા હતો. ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ઇંધણ અને વીજળીના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દર સતત 13મા મહિને ડબલ ડિજિટમાં રહ્યો છે. એપ્રિલમાં હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ આધારિત (WPI) મોંઘવારી દર 15.08% પર પહોંચી ગયો છે.

મોંઘવારીનો દર 15%ને પાર

નિષ્ણાંતોના મતે ખાદ્યપદાર્થો અને ઈંધણના વધતા ભાવને કારણે મોંઘવારી વધી રહી છે. સરકારી આંકડા મુજબ એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં તે 10.74 ટકા હતી. એપ્રિલ 2021થી જથ્થાબંધ ફુગાવો બે આંકડામાં રહ્યો છે. એપ્રિલ 2022માં વધીને 15.08 ટકા થઈ છે. અગાઉ એ માર્ચ 2022માં 14.55 ટકા હતો, જ્યારે ફેબ્રુઆરીમાં 13.11 ટકા હતો.

એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારીના આટલા વધુ દર માટે મિનરલ ઓઈલ્સ, બેઝિક મેટલ્સ, ક્રૂડ અને પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ, ખાણી પીણીનો સામાન, ફૂડ પ્રોડક્ટ, નોન ફૂડ આર્ટિકલ્સ, તથા કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટના ભાવમાં થઈ રહેલો વધારો જવાબદાર છે. આ બધી ચીજોના ભાવમાં ગત વર્ષ એપ્રિલની સરખામણીએ ઘણો વધારો થયો છે. ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર એપ્રિલ મહિનામાં 8.35% રહ્યો છે, જે માર્ચ 2022માં 8.06% હતો. બળતણ અને ઊર્જાનો મોંઘવારી દર વધીને 38.66% થયો છે, જે માર્ચ 2022માં 34.52% હતો, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોનો મોંઘવારી દર એપ્રિલમાં 10.85% હતો, જે માર્ચ 2022માં 10.71% હતો.

છૂટક મોંઘવારીમાં વધારો
અગાઉ ખાદ્ય ચીજવસ્તુઓમાંથી તેલની કિંમતોમાં વધારો થવાને કારણે છૂટક મોંઘવારી 8 વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે. સરકારી આંકડા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક મોંઘવારી એપ્રિલમાં વધીને 7.79% થઈ છે. મે 2014માં ફુગાવો 8.32% હતો.

કેવી રીતે માપવામાં આવે છે મોંઘવારી?
ભારતમાં મોંઘવારીના બે પ્રકાર છે. એક રિટેલ, એટલે કે છૂટક અને બીજી જથ્થાબંધ મોંઘવારી છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધાર રાખે છે. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પણ કહેવામાં આવે છે. જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો અર્થ એ કિંમતો સાથે હોય છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. આ કિંમતો જથ્થાબંધમાં કરવામાં આવેલા સોદા સાથે જોડાયેલી હોય છે.

Back to top button