ઉદ્યોગમંત્રી બળવંતસિંહે મલેશિયાને ગ્લોબલ સમિટિમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું
ગાંધીનગર (ગુજરાત) 02 ડિસેમ્બર 2023: ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકોને એક્સપ્લોર કરવા અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આમંત્રિત કરવા માટે મલેશિયાની 3 દિવસની મુલાકાતે હતા. મુલાકાત દરમિયાન ઉદ્યોગ મંત્રીએ મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના નાયબમંત્રી લિવ ચિન ટોંગ સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં ભારત અને મલેશિયા વચ્ચે સહકારના સંભવિત ક્ષેત્રો વિશે ચર્ચા કરાઈ હતી. તેમણે મલેશિયામાં ભારતીય હાઈ કમિશનર HE બી.એન. રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. તેમણે કુઆલાલંપુર વિશેના તેમના અનુભવો શેર કર્યા હતા.તેમજ બળવંત સિંહે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરી અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
આ ઉપરાંત, રાજ્ય ઉદ્યોગ મંત્રીએ પામ ઑઈલ પ્લાન્ટેશન અને રિફાઈનિંગની સંસ્થાઓના વડાઓ અને વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો યોજી હતી. આ બેઠક દરમિયાન, તેમણે પામના વાવેતર, સંશોધન અને વિકાસ માટે ગુજરાતમાં વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો. એટલું જ નહીં, ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઈલ સેક્ટરની વિવિધ તકો પર ચર્ચા કરી હતી.
મુલાકાતના છેલ્લા દિવસે બળવંતસિંહ રાજપૂતે મલેશિયાના પેનાંગમાં માઈક્રોનની વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી અને માઈક્રોનની ટીમે ગુજરાતના સાણંદમાં ભારતની સૌપ્રથમ સેમિકન્ડક્ટર સુવિધાની વિગતો શેર કરી અને આ ક્ષેત્રની અદ્યતન ટેક્નોલોજીઓનું પ્રદર્શન કર્યું જે તેઓ ભારતમાં લોન્ચ કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો: કરાઈ ખાતે 4 ડિસેમ્બરથી ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન યોજાશે, 1200થી વધુ સ્પર્ધકો ભાગ લેશે