- મહારાષ્ટ્રમાં મરાઠવાડા એસો. ઓફ સ્મોલસ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર તથા ચેમ્બર ઓફ મરાઠવાડા ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો યુવાન ઉદ્યોગ સાહસિકો અને મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ
- ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી : ગુજરાતની રાહ પર સંપૂર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પ્રત્યે જાગૃતિ કેળવાય એ જરૂરી છે
સંભાજીનગર (મહારાષ્ટ્ર), 19 મેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગ્લોબલ વૉર્મિંગ અને જલવાયુ પરિવર્તનને કારણે અસહ્ય ગરમી અને અનેક કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. પ્રાકૃતિક સંપદાના માનવ સર્જિત ક્ષયને કારણે જ આવી આફતો આવી છે, એટલે પ્રકૃતિને પૂર્વવત્ કરવાની ક્ષમતા પણ મનુષ્ય પાસે જ છે. ઉદ્યોગ સાહસિકોએ પોતાના ઉદ્યોગનો વિકાસ કરતાં કરતાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનની કાળજી પણ લેવી જોઈએ.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મરાઠવાડા એસોસિએશન ઓફ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર તથા ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના સંયુક્ત ઉપક્રમે આયોજિત સમારોહમાં યુવાન ઉદ્યોગ સાહસિકો અને મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ઉદ્યોગ એ નફો રળવાનું સાધન માત્ર નથી, તે સમાજના વિકાસમાં યોગદાન આપવાનું માધ્યમ પણ છે. દેશની પ્રગતિ અને સર્વાંગી વિકાસમાં ઉદ્યોગ સાહસિકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. ઉદ્યોગગૃહો લાખો-કરોડો હાથોને કામ આપે છે. રોજગારીની તકો વધે છે, જેનાથી જીડીપીમાં વૃદ્ધિ થાય છે અને દેશનો વિકાસ થાય છે. તેમણે યુવાનોને સફળ ઉદ્યોગ સાહસિક બનીને વધુને વધુ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવાનો અનુરોધ કર્યો હતો.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, યુવાનોની પ્રતિભા અને ઊર્જાનો ઉચિત ઉપયોગ થાય એવા અવસરો ઊભા કરવાની જવાબદારી સમાજની છે. યુવાનોના કૌશલ્યનો વિકાસ થશે તો ભારતની આત્મનિર્ભરતા વધશે. તેમણે યુવાનોને સારા સ્વાસ્થ્ય માટે સજાગ અને સક્રિય રહેવા કહ્યું હતું. સકારાત્મક અને સર્જનાત્મક અભિગમ તથા સારા સ્વાસ્થ્યથી ઉજવળ ભવિષ્યનું નિર્માણ શક્ય બને છે.
ગુજરાતમાં 9, 20, 000 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. એમ જણાવીને રાજ્યપાલે કહ્યું હતું કે, ગુજરાતની રાહ પર સંપૂર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પ્રત્યે જાગૃતિ કેળવાય એ જરૂરી છે. તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
મરાઠવાડા એસોસિએશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર તથા ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરને આ આયોજન માટે અભિનંદન આપતાં રાજ્યપાલે કહ્યું કે, યુવાન ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકોના વિકાસ માટે ઉદ્યોગ સંગઠનો જે રીતે પ્રયત્નશીલ છે એ અત્યંત પ્રશંસનીય છે. તેમણે સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા છત્રપતિ સંભાજીનગરની મુલાકાત બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
મરાઠવાડા એસોસિએશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ શ્રી ચેતન રાઉતે આચાર્ય દેવવ્રતજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને છત્રપતિ સંભાજીનગરના ઉદ્યોગ, વ્યવસાય, ઔદ્યોગિક વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓ વિશે જાણકારી આપી હતી. ઉપાધ્યક્ષ મનીષ અગ્રવાલે કહ્યું હતું કે, રાજ્યપાલ હંમેશા શિક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કારને સમર્પિત રહીને સમાજ જીવનમાં સક્રિય રહ્યા છે. ઉપાધ્યક્ષ અર્જુન ગાયકવાડે આચાર્ય દેવવ્રતજીનો પરિચય આપ્યો હતો. આ સમારોહમાં વિભિન્ન ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ સંઘોના પ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના સચિવ ઉત્સવ મછારે આભારવિધિ કરી હતી.
આ પણ વાંચોઃ હવે સંસદભવનની સુરક્ષા CISFના હાથમાં, 10 વર્ષ બાદ CRPFની વિદાય