અમદાવાદ, 28 ઓગસ્ટ 2024, ગુજરાતમાં ઉદ્યોગો આવી રહ્યાં છે અને લાખો લોકોને રોજગારી મળી રહી છે. બીજી તરફ રાજ્યના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની સ્થિતિ એવી ભયંકર છે જેના કારણે સેંકડો લોકોની રોજગારી પર અસર થઈ રહી છે. ચોમાસાની સિઝનમાં પાણીના નિકાલ માટેનો કોઈ રસ્તો જ નહીં હોવાથી ઉદ્યોગો પણ રાજ્ય છોડીને જવાની તૈયારીમાં છે. અમદાવાદ જિલ્લામાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓના કારણે જિલ્લામાં મોટી ઇન્ડસ્ટ્રીઓ તેની આસપાસ ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામને લઈને ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહી છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક મુસીબતો ઉભી થવા પામી છે. જિલ્લાના ચાંગોદર, વાસણા, રજોડા અને ચાચરાવાડી જેવા ઔદ્યોગિક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.
View this post on Instagram
મોટા એક્શન પ્લાન પણ આ પાણીમાં ગરકાવ થઈ ગયાં
રાજ્યમાં હાલ થઈ રહેલા મેઘ તાંડવમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટનાઓ છે. અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ જેવા શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ત્યારે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં અસંખ્ય ગેરકાયદે બાંધકામો બંધાઈ ગયા હોવાથી પાણીના નિકાલનો કોઈ રસ્તો જ રહ્યો નથી. જેને કારણે વરસાદના પાણી ભરાઈ જાય છે અને અવરજવરને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વિસ્તારમાં રહેતા લોકો પણ વરસાદના ભરાયેલા પાણીથી હેરાન થાય છે અને માંદગીનો ભોગ બને છે. તેઓ પણ આ વિસ્તાર છોડીને જવા તૈયાર હોવાથી રોજગારીને મોટી અસર પડી રહી છે.અમદાવાદમાં ચાંગોદર, વાસણા, રજોડા અને ચાચરાવાડી જેવા વિસ્તારોમાં હાલમાં વરસાદના પાણી ભરાઈ ગયાં છે. તંત્રના મોટા મોટા એક્શન પ્લાન પણ આ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.
અધિકારીઓ મનસ્વી રીતે કામ કરી રહ્યાં છે
સરકારી બાબુઓના ભ્રષ્ટાચારના કારણે આ પાણીનો નિકાલ થવાનો કોઈ રસ્તો જ નથી બચ્યો. જેના કારણે લોકો અને ઈન્ડસ્ટ્રીઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહી છે. અમદાવાદની આ મોટી ઇન્ડસ્ટ્રીઓ જો ગુજરાત છોડીને જાય તો લાખો લોકોની રોજગારી પર અસર પડે એમ છે. કારણ કે લાખો લોકો આ કંપનીઓમાં કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. સરકાર દ્વારા વારંવાર નવા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. સરકાર લઘુ મધ્ય અને મોટા ઉદ્યોગો માટે સબસીડી બહાર પાડે છે. પરંતુ સરકારી અધિકારીઓ જાણે સરકારની કોઈ યોજનાને સફળ થવા દેવામાં માનતા જ ના હોય તે રીતે કામગીરી કરી રહ્યાં છે.
ઉદ્યોગો જ ગુજરાત છોડશે તો લાખો લોકોની રોજગારી પર અસર થશે
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ ઉચ્ચ નેતાઓ ઉદ્યોગોનાં વિકાસ માટે તત્પર દેખાતા હોય છે. પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ તમામ યોજનાઓ અને પ્રોત્સાહનો ઉપર પાણી ફરી વળતું હોય છે. વિદેશી કંપનીઓ અમદાવાદમાં રોકાણ કરે છે ત્યારે આવા અમુક ખાનગી વ્યક્તિઓ સરકારી અધિકારીઓ સાથે મિલીભગત કરી ભ્રષ્ટાચાર કરી કરોડોનું નુકસાન સરકારી તિજોરીને, દેશને તથા રાજ્યને કરતા હોય છે. ત્યારે આ વિદેશી કંપનીઓ જો ગુજરાત છોડીને જાય તો લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઈ શકે છે જે સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે!