ગિરનારની ગોદમાં ઈન્દ્ર દ્વારા સ્થાપના કરવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર
ગિરનારની ગોદમાં જૂનાગઢ શહેરથી લગભગ 2 કિલોમીટરના અંતરે જોગણિયા ડુંગરની તળેટીમાં ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર શોભાયમાન છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં સ્થિત આ નાનકડાં મંદિરની આભા કંઈક એવી છે કે અહીં પગ મૂકતાં જ ભક્તોને પરમશાંતિની અનુભૂતિ થવા લાગે છે. માન્યતા અનુસાર ઈન્દ્રેશ્વર મહાદેવે જ દેવરાજ ઈન્દ્રને શ્રાપમાંથી મુક્તિ અપાવી હતી. તો, ઈન્દ્રેશ્વર મહાદેવે જ ભક્ત નરસિંહના ઓરતાઓની પૂર્તિ કરી હોવાની લોકવાયકા અહીં પ્રચલિત છે. માત્ર જૂનાગઢમાંથી જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શનાર્થે અહીં આવે છે. ઈન્દ્રેશ્વરના દર્શન વિના તો જૂનાગઢની યાત્રા જ અપૂર્ણ મનાય છે ! કહે છે કે દેવરાજ ઈન્દ્ર અને ભક્ત નરસિંહને સાક્ષાત્કાર કરાવનારા શિવજી અહીંથી ક્યારેય કોઈને ખાલી હાથે પાછા નથી મોકલતા. ત્યારે શ્રાવણ મહિનામાં શિવભક્તો માટે આ મંદિર અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહે છે.
ગિરનાર પર્વતમાળાની તળેટીમાં આવેલું ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર અંદાજિત 10,000 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ધાર્મિક વાયકા અનુસાર આ શિવલિંગનું સ્થાપન સ્વયં ભગવાન શિવે પ્રગટ થઈને કર્યુ હોવાની છે. લોકવાયકા મુજબ સતયુગમાં જ્યારે રાજા ઈન્દ્રએ અહલ્યાને છળકપટ દ્વારા અપભ્રંશ કર્યા હતા, જેનાથી કોપાયમાન બનીને તેમના પતિ ગૌતમ ઋષિ દ્વારા રાજા ઇન્દ્ર શ્રાપિત થયા હતા અને કોઢ નિકળ્યો હતો. જેના નિરાકરણ માટે નારદમુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિ પૌરાણિક જગ્યા જોગણિયા ડુંગર (ગિરનાર પર્વતમાળાનો એક પર્વત) પાસે શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી. ઈન્દ્રેશ્ર્વર મહાદેવના શિવાલયની સન્મુખ બાણ-ગંગા કુંડ આવેલો છે. એવું કહેવાય છે કે, ઈન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના પછી ઇન્દ્રદેવે અહીં કઠોર અને આકરી તપસ્યા કરી, જે પછી તેઓએ મેળવેલી તપ સિદ્ધિ અને નારદજીની પ્રેરણાથી તેઓએ અહીં મંદિરથી દશ ડગલાં દૂર જમીનમાં બાણ મારીને બાણ-ગંગા પ્રગટ કરી. જે પછી તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતાં તેઓના શરીરે થયેલો કોઢ દૂર થયો અને તેઓ દેવલોક પરત ગયાં. આજે પણ કોઈ કોઢગ્રસ્ત વ્યક્તિ બાણ-ગંગાના જળથી સ્નાન કરે છે, તો તેના શરીરમાં થયેલો કોઢ દૂર થાય છે, તેવી માન્યતા છે. દુષ્કાળ સમયે પણ આ કુંડમાંથી ક્યારેય પાણી ખુટ્યું નથી. ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલ માં અન્નપૂર્ણાજીની ગુફા દર્શનીય સ્થાન છે. એક માન્યતા મુજબ, માં અન્નપૂર્ણાની સ્થાપના પણ ઇન્દ્રદેવ દ્વારા સતયુગમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં વર્ષ 1979માં બાંધવામાં આવેલાં ઐતિહાસિક ગાયત્રી મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.
કેવી રીતે જવાય : ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જવું હોય તો જુનાગઢ શહેર સુધી જવાની જરૂર નથી. જુનાગઢમાં એન્ટ્રી પહેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પાછળના ભાગમાં દોલતપરા વિસ્તાર આવેલો છે. જ્યાં ઇન્દ્રેશ્વર થાણા છે. અહીંથી ગીર નેચર સફારીનો પ્રારંભ થાય છે. ઇન્દ્રેશ્વર થાણાથી અડધો કિલોમીટર દૂર ઇન્દ્રેશ્વર મંદિર આવેલું છે.
નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવ્યાં
બીજી લોકવાયકા એવી પણ છે કે, ભક્ત કવિ નરસિંહ મહેતા ઈન્દ્રેશ્વર મહાદેવના પરમ ભક્ત હતા. નરસિંહ મહેતા ગાયોને ચરાવવા અહીં નિત્યક્રમે આવતા હતા, પરંતુ ગાય અહીંના શિવલિંગ પર દૂધનો અભિષેક કરતી હતી. તેને લઈને નરસિંહ મહેતા તેમની ભાભી દ્વારા વારંવાર અપમાનિત થયા હતા. એક વખત નિત્યક્રમ મુજબ કવિશ્રી નરસિંહ મહેતા અહીં જંગલમાં ગાયો ચરાવવા આવ્યા ત્યારે આ સ્થળે બત્રીસ ગુણી ગાયના આંચળમાંથી દુધની ધારાવાળી થતાં, તેઓ ભાવ વિભોર થઈ લિંગને બાથ ભરીને બેસી ગયાં, સતત સાત દિવસ સુધી તેઓએ તપશ્ચર્યા કરી અને મહાદેવે આકાશવાણી સ્વરૂપે કહ્યું કે, નરસિંહ તું આ લિંગ છોડી દે, હું તારા પર પ્રસન્ન છું. ત્યારે નરસિંહ મહેતાએ પોતાના નાગર કુળમાં કોઈ દુ:ખી ન રહે અને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરવા માટે વરદાન માંગ્યું. જે પછી શિવજીએ તેને છ મહિના સુધી કૈલાસ પર્વત ઉપર કૃષ્ણ ભગવાનની રાસલીલાના દર્શન કરાવ્યા.
નરસિંહ મહેતાએ વાવેલો વડલો આજે પણ હયાત છે
ઈન્દ્રેશ્વર મહાદેવની આ પાવન ભૂમિમાં નરસિંહ મહેતાએ એક વડલાના વૃક્ષનું વાવેતર કર્યું હતું, જે આજે પણ હૈયાત છે અને અહીં આવતા ભાવિકોને છાયડો આપે છે. આ ઉપરાંત અહીં અતિ દુર્લભ કહેવાતું ગૌરીશંકરનું વૃક્ષ પણ મોજુદ છે. જેના ફુલમાં શંકર ભગવાનનું લિંગ, થાળું અને શેષનાગ જોવા મળે છે.
જૂનાગઢ નવાબે અહીં ગૌશાળા બંધાવી હતી
નવાબીકાળમાં આ જગ્યામાં નવાબ રસુલખાનજીએ અહીં ગૌશાળા બંધાવી આપેલ હતી, જેનો જીર્ણોધ્ધાર પણ થયેલ છે. અહીંના મહંત ત્રિગુણાનંદજીની પ્રેરણાથી જૂનાગઢથી રાજકોટ તરફ જતાં રોડ સુધીનો રસ્તો નવાબ દ્વારા બનાવી આપવામાં આવ્યો, આ ઉપરાંત જૂનાગઢ નવાબે આ જગ્યા મહંત ત્રિગુણાનંદજીને તામ્રપત્ર ઉપર લખી આપેલી.