ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં તાપમાન ઘટતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

Text To Speech
  • લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું,ચાર દિવસમાં 4 ડિગ્રી તાપમાન ઘટયું
  • ભારે ધુમ્મસથી વાહન ચાલકો પણ થયા પરેશાન

ડીસા, 03 જાન્યુઆરી: ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. આજે ડીસામાં બે ડિગ્રી તાપમાન ઘટી જતા લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું હતું જેથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. આ ઉપરાંત આજે આખા ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું, જેના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કાશ્મીરમાં ભારે હિમવર્ષાની સીધી અસર ગુજરાત અને બનાસકાંઠામાં પણ થઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં આજે લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ગઈકાલે લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી રહ્યું હતું. જેમાં 1.9 ડિગ્રી જેટલો ઘટાડો થતાં આજે 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસમાં જ કોલ્ડવેવના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા અગાઉ 14થી 15 ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો 11 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. લોકોને રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાનો વારો આવ્યો છે.

રાત્રે પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરી ને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે આગામી સમયમાં હજુ પણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.

આ પણ વાંચો: છેલ્લા બે વર્ષમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરી અમદાવાદીઓએ 30 કરોડ રૂપિયાનો દંડ ભર્યો

Back to top button