ઈન્દોર ટેસ્ટ : માત્ર ત્રણ દિવસમાં જ તૈયાર કરેલી પિચથી ટીમ મેચ હારી ગઈ હતી
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતીય ટીમ ઈન્દોરમાં ટેસ્ટ મેચ હારી હોય. આ માટે પિચને જવાબદાર ગણવામાં આવી રહી છે. ICCએ પણ ઈન્દોરની પિચને ખરાબ ગણાવી અને ત્રણ ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યા હતા. હકીકતમાં ઉતાવળમાં પિચ બદલવાનો અને નવી પિચ તૈયાર કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો છે.
ક્રિકેટ એસોસિએશને શું કર્યું ?
હોલકર સ્ટેડિયમને મેચ મળવાની માહિતી મળ્યા બાદ મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશને પીળી માટીથી બનેલી પીચ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ મેચ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા 25 ફેબ્રુઆરીએ બીસીસીઆઈના સિનિયર પીચ ક્યુરેટર આશિષ ભૌમિક અને તાપસ ચેટર્જી ઈન્દોર આવ્યા હતા અને તેમણે આ પીચ તૈયાર કરી હતી. તેમની દેખરેખ હેઠળ કાળી માટીની પીચ તૈયાર કરવામાં આવી હતી અને તે જ પીચ પર ટેસ્ટ મેચ રમાઈ હતી. કોનો નિર્ણય હતો અને કોની સલાહ પર પિચ બદલવામાં આવી? આની જવાબદારી કોઈ લેવા માંગતું નથી. જો કે ટીમ મેનેજમેન્ટ ઇચ્છતું હતું કે મેચ કાળી માટીની પીચ પર રમાય. મેચ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા કાળી માટીની પીચ બનાવવામાં આવી હતી. 1 માર્ચે, ભારતીય બેટ્સમેનો એ જ પીચ પર બેટિંગ કરવા માટે આવ્યા હતા અને અડધી ટીમ એક કલાકમાં જ પેવેલિયનમાં પરત ફરી ગઈ હતી. તે પિચ પર બે દિવસમાં 30 વિકેટ પડી હતી.
બીસીસીઆઈના નિર્દેશો હેઠળ પીચ તૈયાર કરવામાં આવી
દરમિયાન મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અભિલાષ ખાંડેકરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મેચોમાં પીચ બીસીસીઆઈના નિર્દેશન અને દેખરેખ હેઠળ જ તૈયાર કરવામાં આવે છે. આમાં એમપીસીએના પિચ ક્યુરેટર્સ જ મદદ કરે છે. ઉપરાંત બીસીસીઆઈના પૂર્વ સચિવ સંજય જગદાલેએ જણાવ્યું કે હોલકર સ્ટેડિયમમાં પીળી માટીની પીચ બનાવવામાં આવી હતી. મેચ શરૂ થતા પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ, BCCIના પિચ ક્યુરેટર આવી પહોંચ્યા હતા. તેમની દેખરેખ હેઠળ કાળી માટીથી બનેલી પીચ તૈયાર કરવામાં આવી હતી. તેના પર મેચ પણ રમાઈ છે.