- અમેરિકા પછી હવે યુરોપીયન દેશમાં ગોળીબારની ઘટના
- ગોળીબાર કરનાર તરૂણ ધો.7નો વિદ્યાર્થી
- એક મહિનાથી કરતો હતો હુમલાની તૈયારી
- સાથી વિદ્યાર્થીઓના ટાર્ગેટની યાદી બનાવી હતી
- સરળતાથી ટાર્ગેટ કરવા ક્લાસરૂમના સ્કેચ બનાવ્યા હતા
સર્બિયાના રાજધાની બેલગ્રેડમાં ગોળીબારીની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 14 વર્ષના વિદ્યાર્થીએ શાળાના વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગની ઘટનામાં કુલ 9 વ્યકિતઓના મોત થયા છે. મરનારમાં 8 બાળકોના સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ગોળીબાર કરતા પહેલા તેના ટારગેટ વિદ્યાર્થીઓ અને તેમના કલાસરૂમના સ્કેચ બનાવ્યા હતાં.
6 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ
એક રિપોર્ટ અનુસાર, બેલગ્રેડના વ્લાદિસ્લાવ રિબિન્કર પ્રાઈમરી સ્કુલના 14 વર્ષના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ પર ગોળી ચલાવ્યા પહેલા તેના કલાસના શિક્ષકને ગોળી મારી હતી. સર્બિયાના શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, સર્બિયામાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આ ઘટનામાં 8 વિદ્યાર્થીઓ સહિત 9 વ્યકિતઓના મોત થયા છે. ઘાયલ 6 વિદ્યાર્થીઓ અને શિક્ષકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આરોપીની કરી લેવામાં આવી ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સવારે 8.40એ શાળામાં ફાયરિંગની ઘટના વિશે જાણકારી મળી હતી. આરોપી સાતમા ધોરણનો વિદ્યાર્થી છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પિતાની બંદૂકથી આરોપીએ અન્ય વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ પર ગોળીનો મારો ચલાવ્યો હતો. શાળાના એક વિદ્યાર્થીએ આરોપીની ઓળખ શાંત અને ભણવામાં હોશિયાર વિદ્યાર્થી તરીકે આપી હતી.
પિતાની હેન્ડગનમાંથી કર્યું હતું ફાયરિંગ
હુમલાખોર પાસે તેના પિતાની બે હેન્ડગન હતી જેમાંથી તેણે ફાયરિંગ કર્યું હતું. સર્બિયામાં 1990ના ગૃહયુદ્ધ પછી નાગરિકો પાસે હજારો હથિયારો ઘરમાં પડેલા મળી આવે છે. આ હથિયારો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. સર્બિયાની મીડિયામાં આ ઘટના બાદ આરોપીએ ખુદ પોલીસને ફોન કરીને માહિતી આપી હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.