બિહાર: કોર્ટ પરિસરમાં અંધાધૂધ ફાયરિંગ; અપરાધીઓએ બે કેદીઓને બનાવ્યા નિશાન
કોર્ટ પરિસરમાં ફાયરિંગ: બિહારના સમસ્તીપુરમાં કોર્ટ કેમ્પસમાં ફાયરિંગની ઘટના બની છે.સબડિવિઝનના નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સિવિલ કોર્ટ પરિસરમાં ગુનેગારોનો તાંડવ જોવા મળ્યો હતો. કલ્યાણપુર વિસ્તારના રહેવાસી પ્રભાત કુમાર ચૌધરી અને સમસ્તીપુરના મુફસિલ વિસ્તારમાં રહેતા પ્રભાત તિવારીને લઈને પોલીસ કોર્ટમાં હાજર થવા માટે પહોંચી હતી, ત્યારે તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, પોલીસ કેદીઓને તારીખ હોવાના કારણે કોર્ટમાં લઈને હાજર થઈ હતી. તે દરમિયાન જ તેમના પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
અપરાધીઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળી પ્રભાત તિવારીના ડાબા હાથમાં લાગી હતી, જ્યારે એક ગોળી પ્રભાત કુમાર ચૌધરીની જાંઘમાં લાગી હતી. ઘટના બાદ સ્થાનિક એડવોકેટ, લોકો અને પોલીસ કર્મચારીઓની મદદથી તેને સારવાર માટે સમસ્તીપુરની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સમગ્ર પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ અધિક્ષક વિનય તિવારી પોતે કોર્ટ પરિસરમાં પહોંચ્યા બાદ કેસની તપાસમાં લાગેલા છે. બન્ને ઘાયલ કેદીઓની સારવાર સમસ્તીપુર હોસ્પિટલમાં ચાલી રહી છે.
સમસ્તીપુર કોર્ટ પરિસરમાં અપરાધીઓ દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબાર બાદ ફરી એકવાર કોર્ટની સુરક્ષા પર પ્રશ્ન ઉભા થયા છે. વહીવટીતંત્ર દ્વારા કોર્ટની સુરક્ષામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે છતાં ગુનેગારો હથિયારો સાથે અંદર ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.