ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

આ ઇલેક્ટ્રિક એર ટેક્સી દિલ્હીથી ગુરુગ્રામ માત્ર 7 મિનિટમાં પહોંચાડશે, ટ્રાફિક જામથી મળશે છુટકારો 

  • દિલ્હીમાં શરુ થશે ઇન્ડિગોની ઇલેક્ટ્રિક એર ટેક્સી
  • માત્ર સાત જ મિનિટમાં પહોંચાડશે દિલ્હીથી ગુરુગ્રામ

દિલ્હી, 22 એપ્રિલ: ભારતમાં વધતી જતી ટેકનોલોજીના કારણે આવનારા સમયમાં તમારે દિલ્હીથી ગુરુગ્રામ જવા માટે ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડશે નહીં. તમે માત્ર સાત મિનિટમાં દિલ્હીથી ગુરુગ્રામની મુસાફરી કરી શકશો. ભારતની અગ્રણી એરલાઇન્સ કંપની ઇન્ડિગો એરલાઇન્સ દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે એર ટેક્સી ચલાવવાની તૈયારી કરી રહી છે. ઇન્ડિગો એરલાઈન્સની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ ભારતમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી લોન્ચ કરવા જઈ રહી છે. કંપની સૌથી પહેલા આ સેવા દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે શરૂ કરી શકે છે. આ પછી મુંબઈ અને બેંગલુરુમાં પણ એર ટેક્સી ચલાવવાની યોજના છે.

કેવી હશે એર ટેક્સી? અહીં જૂઓ વીડિયો:

 

પીટીઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ અને અમેરિકાસ્થિત આર્ચર એવિએશન સંયુક્ત રીતે આ એર ટેક્સી સેવા શરૂ કરી શકે છે. આર્ચર એવિએશન ભારતમાં એર ટેક્સી સેવા શરૂ કરવા માટે ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબને 200 ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ સપ્લાય કરશે. ઇન્ડિગોની આ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઑફ અને લેન્ડિંગ (eVTOL) એર ટેક્સીમાં એક સાથે 4 મુસાફરો મુસાફરી કરી શકશે. આ સિવાય હેલિકોપ્ટરની જેમ તેમાં પાયલટ પણ હશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇન્ડિગોની એર ટેક્સી હેલિકોપ્ટર કરતાં ઓછો અવાજ કરશે અને તે સુરક્ષાની દૃષ્ટિએ પણ વધુ સારી હશે.

આ એર ટેક્સીમાં ભાડું કેટલું હશે?

આ એર ટેક્સી 2026માં દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે ચલાવવામાં આવી શકે છે. 7 મિનિટની આ મુસાફરી માટે પેસેન્જરે 2000 રૂપિયાથી 3000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. હાલમાં 27 કિલોમીટરનું આ અંતર કાપવામાં સરેરાશ 90 મિનિટનો સમય લાગે છે અને આ માટે મુસાફરોએ 1,500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.

આર્ચર એવિએશનના સીઈઓ ફાઉન્ડર અને સીઈઓ એડમ ગોલ્ડસ્ટીને જણાવ્યું કે આ માટે પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી ભારતીય રેગ્યુલેટર ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન) પાસેથી પ્રમાણપત્ર લેવામાં આવશે. કંપની 2026માં એર ટેક્સી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે 200 મિડનાઈટ લાઇટ વેઇટ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવશે. એટલું જ નહીં, એર ટેક્સી સેવા શરૂ કરવા માટે વર્ટીપોર્ટ અથવા લોન્ચ પેડ તૈયાર કરવા માટે જગ્યાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: અંતરિક્ષ પ્રવાસ માટે પસંદ થયેલા ભારતીય મૂળના ગોપી થોટકુરા કોણ છે?

Back to top button