અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે તેને લગતા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે જો તમે દિલ્હી-અમદાવાદમાં રહો છો અને રામની નગરી અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ માટે તમે માત્ર બસ-ટ્રેન જ નહીં પરંતુ ફ્લાઈટમાં પણ મુસાફરીનો આનંદ માણી શકશો. ઉડ્ડયન કંપની ઈન્ડિગોનું એરક્રાફ્ટ 30 ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યા માટે તેની પ્રથમ ઉદ્ઘાટન ફ્લાઇટ લેવા જઈ રહ્યું છે.
6 જાન્યુઆરીથી કોમર્શિયલ ફ્લાઈટ્સ
ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં લગભગ પૂર્ણ થયેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઈટ ઓપરેશનના પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ્સ શરૂ થશે. કંપની 6 જાન્યુઆરીથી અયોધ્યા માટે તેની કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ કરશે.
ઈન્ડિગો ફ્લાઈટનો શું હશે સમય ? અને ભાડું ?
ઉડ્ડયન કંપનીના નિવેદન અનુસાર, દિલ્હીથી ઉદઘાટન ફ્લાઇટ 30 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. આ પછી, આવતા વર્ષે 6 જાન્યુઆરી, 2024 થી દિલ્હી અને અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે અને તે પછી તરત જ, અમદાવાદ અને અયોધ્યા વચ્ચે 11 જાન્યુઆરી, 2024 થી અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે. 6 જાન્યુઆરીએ પહેલી કોમર્શિયલ ફ્લાઈટ દિલ્હીથી સવારે 11.55 વાગ્યે ઉપડશે અને બપોરે 1.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઈટ અયોધ્યાથી બપોરે 1.45 વાગ્યે ઉપડશે અને બપોરે 3 વાગ્યે દિલ્હી પહોંચશે. હાલમાં ઈન્ડિગો એરલાઈન્સમાં 6 જાન્યુઆરીએ દિલ્હીથી અયોધ્યાનું ભાડું 7,799 રૂપિયા છે.
કંપની અયોધ્યા માટે પ્રથમ ફ્લાઇટ શરૂ કરશે
દિલ્હી-અયોધ્યા અને અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ કરવાના મામલે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો અયોધ્યા એરપોર્ટથી ફ્લાઈટ્સ ઓપરેટ કરનારી પહેલી એરલાઈન કંપની હશે. આ સાથે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા એરલાઇન કંપની માટે 86મું ડોમેસ્ટિક ડેસ્ટિનેશન હશે.
PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન!
સૂત્રોનું માનવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ પીએમ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરી શકે છે. ત્યારે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ સહિત લગભગ 18 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. જિલ્લા વહીવટીતંત્ર, રેલવે વિભાગ અને AAI ઉદ્ઘાટન કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે.