મહિલા T20 વર્લ્ડકપમાં પણ ભારતની જીત, શ્રીલંકાને કર્યું ધૂળ ચાટતું
- 173 રનના ટાર્ગેટ સામે માત્ર 90 રનમાં સમેટાયું
- કેપ્ટન કૌર અને મંધાનાએ અર્ધ સદી ફટકારી
- આ મેચમાં જીતથી સેમી ફાઈનલની આશા જીવંત
દુબઈ, 9 ઓક્ટોબર : મહિલા T20 વર્લ્ડ કપ 2024ની 12મી મેચ બુધવારે (9 ઓક્ટોબર) ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચ 82 રને જીતીને ભારતીય ટીમે સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ રાખી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 90 રન પર જ સિમિત રહી હતી.
હરમન અને મંધાનાએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 3 વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ અર્ધસદી ફટકારી હતી. હરમને 27 બોલમાં અણનમ 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે મંધાનાએ 38 બોલમાં 50 રન બનાવ્યા હતા.
આ સિવાય ઓપનર શેફાલી વર્માએ 40 બોલમાં 43 રન બનાવ્યા હતા. હરમન અને મંધાનાએ મેચમાં 1-1 સિક્સ ફટકારી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝે 16 રન અને રિચા ઘોષે 6 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને અમા કંચનાએ 1-1 વિકેટ લીધી હતી.
T20 WC માં સૌથી ઝડપી 50 મારનાર ભારતીય બેટ્સમેન
- 27 – હરમનપ્રીત કૌર વિ શ્રીલંકા, દુબઈ, 2024
- 31 – સ્મૃતિ મંધાના વિ ઓસ્ટ્રેલિયા, ગયાના, 2018
- 32 – હરમનપ્રીત કૌર વિ ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2023
- 33 – હરમનપ્રીત કૌર વિ ન્યુઝીલેન્ડ, ગયાના, 2018
- 36 – મિતાલી રાજ વિ શ્રીલંકા, બાસેટેરે, 2010
ભારતીય ટીમે પોઈન્ટ ટેબલમાં સુધારો કર્યો છે
ગ્રુપ Aમાં ભારત અને શ્રીલંકા બંને માટે આ ટૂર્નામેન્ટની ત્રીજી મેચ હતી. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 2 મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે છેલ્લી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકા પાંચમા સ્થાને છે. તેણે ટુર્નામેન્ટમાં એક પણ જીત નોંધાવી નથી. આ મેચ જીતીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. સાથે જ ટીમનો નેટ રન રેટ પ્લસ 0.576 પર પહોંચી ગયો છે. જ્યારે મેચ પહેલા તે મુખ્યમાં -1.217 હતો. ઓસ્ટ્રેલિયા અત્યારે 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેનો નેટ રન રેટ 2.524 છે.
આ પણ વાંચો :- દિલ્હી T20 : બાંગ્લાદેશને 86 રનથી હરાવી સીરીઝ ઉપર ભારતનો કબજો