ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયોના મૃત્યુ બાદ ભારતનું કડક વલણ, મોટું પગલું ઉઠાવ્યું

  • ભારતે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે: વિદેશ સચિવ

નવી દિલ્હી, 13 જૂન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુદ્ધમાં ભારતીય નાગરિકો માર્યા ગયા છે. યુદ્ધમાં ભારતીયોના મૃત્યુ બાદ ભારતે કડક વલણ દાખવ્યું છે. ભારતે કહ્યું છે કે, તે રશિયન સેનામાં સેવા આપતા તેના નાગરિકોની સલામતી અને સ્વદેશ પરત લાવવા માટે રશિયા પર દબાણ લાવી રહ્યું છે. ભારતે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાની આ ટિપ્પણી વિદેશ મંત્રાલયના એ કહેવાના એક દિવસ બાદ આવી કે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેનામાં સેવા આપતા વધુ બે ભારતીયોના મૃત્યુ થયાના છે. બે ભારતીયોના મૃત્યુથી આવા મૃત્યુની સંખ્યા ચાર થઈ ગઈ છે.

ઉદેશ્ય ભારતીયોને સુરક્ષિત રાખવાનો છે: વિનય ક્વાત્રા

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે, “પહેલા દિવસથી અમે રશિયન અધિકારીઓ અને નેતૃત્વ સાથે આ મુદ્દે સતત ચર્ચા કરી રહ્યા છીએ.” આ મુદ્દે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમારા તમામ પ્રયાસો ભારતીયોને સુરક્ષિત રાખવાનો છે. તેમણે વધુમાં કહ્યું, “અમે રશિયન સત્તાવાળાઓને સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધ ક્ષેત્રમાં રહેલા તમામ ભારતીયો, તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા તે ધ્યાનમાં લીધા વિના, તેઓ (ભારત) પરત ફરવા જોઈએ.”

 

બાબતને ગંભીરતાથી લીધી

બે ભારતીયોના મૃત્યુની પુષ્ટિ કરતા, વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતે રશિયા સાથે આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે અને રશિયન સૈન્યમાં સેવા આપતા તમામ ભારતીય નાગરિકોને વહેલા પરત કરવાની માંગ કરી છે. વિદેશ સચિવે કહ્યું કે, ભારતે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. તેમણે કહ્યું કે, “અમે તેમના પરિવારોનો સંપર્ક કર્યો છે, વ્યક્તિ (રશિયા) કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરી છે અને રશિયન અધિકારીઓને જવાબ આપવા કહ્યું છે.”

મહત્ત્વપૂર્ણ બાબતો જાણો

ઉલ્લેખનીય છે કે, માર્ચમાં હૈદરાબાદના રહેવાસી 30 વર્ષીય મોહમ્મદ અસફાનનું યુક્રેનની સરહદ પર રશિયન સૈનિકો માટે કામ કરતી વખતે થયેલી ઈજાને કારણે મૃત્યુ થયું હતું. ફેબ્રુઆરીમાં, ગુજરાતના સુરતના 23 વર્ષીય હેમલ અશ્વિનભાઈ મંગુઆ, ડોનેટ્સક પ્રદેશમાં “સુરક્ષા સહાયક” તરીકે કામ કરતી વખતે યુક્રેનિયન એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન સેનામાં સહાયક તરીકે કામ કરતા કુલ 10 ભારતીયોને મુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, લગભગ 200 ભારતીય નાગરિકોની રશિયન આર્મીમાં સુરક્ષા સહાયક તરીકે ભરતી કરવામાં આવી હતી.

આ પણ જુઓ: ગાઝિયાબાદમાં ત્રણ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 2 બાળકો સહિત 5ના મૃત્યુ

Back to top button