શ્રીલંકાની હાલત ખરાબથી ખરાબ થઈ રહી છે. ફુગાવો 55 ટકાની આસપાસ પહોંચી ગયો છે. જે આગામી દિવસોમાં 70 ટકા સુધી પહોંચી શકે છે. આજે શ્રીલંકાની હાલત એવી છે કે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. વાહનોમાં ભરવા માટે ડીઝલ-પેટ્રોલ નથી, જેના કારણે જીવનની ગતિ થંભી ગઈ છે. વિરોધીઓએ શેરીઓમાં પ્રભુત્વ જમાવ્યું છે અને હવે રાષ્ટ્રપતિ નિવાસમાં પ્રવેશ કર્યો છે. શ્રીલંકાની જેવી તસવીરો જોવા મળી રહી છે તેના પરથી દેશની સ્થિતિની હાલતનો અંદાજ લગાવી શકાય તેમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,શ્રીલંકા પર લગભગ 51 અબજ ડોલરનું દેવું છે. તો કેટલાક લોકોના કહેવા મુજબ, ભારત પર શ્રીલંકા કરતા 12 ગણું દેવું છે તો, તો શું ભારતની હાલત પણ એક દિવસ શ્રીલંકા જેવી થઈ શકે?
ભારત પર શ્રીલંકા કરતા 12 ગણું દેવું
જો આપણે ભારતીય રિઝર્વ બેંકના માર્ચ 2022 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારત પર લગભગ 620.7 બિલિયન ડોલરનું વિદેશી દેવું છે. ગયા વર્ષે તે 570 બિલિયન ડોલર હતું. એટલે કે એક વર્ષમાં ભારતનું દેવું લગભગ 47.1 બિલિયન ડોલર વધી ગયું છે. તેનો મતલબ એ છે કે શ્રીલંકા પર જેટલું કુલ દેવું છે તેટલું જ ભારત પર માત્ર એક વર્ષમાં જ વધી ગયું છે.
જો આપણે થોડા જૂના આંકડાઓ પર નજર કરીએ તો માર્ચ 2018માં દેવું 529.7 બિલિયન ડોલર હતું, જે માર્ચ 2019 સુધીમાં વધીને 543 બિલિયન ડોલર થઈ ગયું છે. તો, માર્ચ 2020 સુધીમાં, ભારતનું બાહ્ય દેવું 558.5 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. તો શું આપણે દેવાની દલદલમાં ધસી જઈ રહ્યા છીએ? અથવા ચિત્ર કંઈક બીજું છે? શું ભારતની હાલત પણ શ્રીલંકા જેવી થશે?
કેમ ભારતની હાલત શ્રીલંકા જેવી નહીં થાય ?
શ્રીલંકા પર 51 બિલિયન ડોલરનું બાહ્ય દેવું છે, જ્યારે ભારતનું દેવું માત્ર એક વર્ષમાં 47.1 બિલિયન ડોલર વધી ગયું છે. આ જોઈને ભલે તમને લાગતું હોય કે ભારતની હાલત ખરાબ થઈ રહી છે, પરંતુ, તેની અસરનું ચિત્ર તેનાથી તદ્દન અલગ છે. ભારતનું દેવું અને GDP રેશિયો માર્ચ 2020માં લગભગ 20.6 ટકા હતો, જે માર્ચ 2021માં વધીને 21.1 ટકા થયો હતો. જો કે, માર્ચ 2022 સુધીમાં, આ ગુણોત્તર ઘટીને 19.9 ટકા થઈ ગયો છે, જ્યારે દેવું 47.1 બિલિયન ડોલર વધ્યું છે. તમને જણાવી દઈએ કે, GDP અને દેવાનો ગુણોત્તર જેટલો ઓછો હશે તેટલો દેશ દેવું ચૂકવવા સક્ષમ હશે. શ્રીલંકાનો આ ગુણોત્તર ઘણો વધી ગયો હતો, જેના કારણે તે લોનમાં ડિફોલ્ટ થયું છે.
શ્રીલંકાનો ડેટ-ટુ-જીડીપી રેશિયો સતત વધી રહ્યો છે
શ્રીલંકા લાંબા સમયથી દેવાની જાળમાં ફસાયેલું હતું. 2018માં જ, શ્રીલંકાના ડેટ-ટુ-જીડીપી રેશિયો 91 ટકા હતો. 2021 સુધીમાં તે વધીને 119 ટકા થઈ ગયું છે. 2014માં શ્રીલંકાના ડેટ-ટુ-જીડીપી રેશિયો 30 ટકાની નજીક પહોંચી ગયો હતો. વિશ્વ બેંકના અભ્યાસ મુજબ, શ્રીલંકા જેવા વિકાસશીલ દેશો માટે ડેટ-ટુ-જીડીપી રેશિયો લગભગ 65 ટકાથી વધુ ન હોવો જોઈએ. તેનાથી ઉપર વધવાનો અર્થ એ છે કે દરેક પોઈન્ટના વધારાની દેશના જીડીપી પર પ્રતિકૂળ અસર પડશે.