પેરીસ ઓલિમ્પિક્સની સુરક્ષાની જવાબદારી નિભાવશે ભારતીય કમાન્ડોઝ
23 મે, પેરીસ: જુલાઈ 26થી ફ્રાંસના પાટનગર પેરીસમાં શરુ થતી ઓલિમ્પિક્સની સુરક્ષા જવાબદારી અત્યંત મહત્વની હોય છે અને ફ્રાંસની સુરક્ષા એજન્સીઓની મદદે આવવાના છે ભારતીય કમાન્ડોઝ. ભારતના નેશનલ સિક્યોરીટી ગાર્ડસ એટલેકે NSGના 110 સિક્યોરીટી કમાન્ડોઝ ફ્રાંસની સેના અને પોલીસની મદદે પેરીસ જશે.
ભારતીય કમાન્ડોઝ જે પેરીસ જવાનાં છે તેમાંથી 46 એલીટ NSG Commandos હશે. આ કમાન્ડોઝ આતંકવાદી પ્રવૃત્તિના સામના માટે અનુભવી છે અને તેઓ બચાવકાર્યમાં પણ નિપુણતા ધરાવે છે. આ સિવાયના બાકીનાં સુરક્ષાકર્મીઓ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીઝ એટલેકે CAPFના રહેશે.
ફાંસના કુલ 46 મિત્ર દેશોમાંથી આ પ્રકારે સુરક્ષાકર્મીઓ પેરીસ જશે અને અહીં કોઇપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ સામે સુરક્ષા પૂરી પડશે. એક રિપોર્ટ અનુસાર આ મેગા ઇવેન્ટમાં સુરક્ષા પૂરી પાડવા માટે ફ્રાન્સે મિત્ર દેશો પાસેથી 2185 સુરક્ષાકર્મીઓની માંગણી કરી છે.
એવું જાણવા મળ્યું છે કે ફ્રાન્સે NSG અને CAPF કમાન્ડોઝની માંગણી તેમની હાલમાં નવી દિલ્હી ખાતે આયોજિત G20 સમિટમાં તેમના સફળ સુરક્ષા પ્રબંધનને જોઇને કરી છે. ફ્રાંસની યોજના સમગ્ર ઓલિમ્પિક્સ દરમ્યાન એક સમગ્રતયા સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની છે જેથી ખેલપ્રેમીઓ સુરક્ષાની ભાવના સાથે તમામ રમતોનો આનંદ માણી શકે.
ઓલિમ્પિક્સ રમતો દરમ્યાન દરરોજ ફ્રાંસ પોલીસના 45000 સુરક્ષાકર્મીઓ, 20000 પ્રાઈવેટ સુરક્ષાકર્મીઓ અને લગભગ 15000 ફ્રેંચ મિલીટરીના સૈનિકો તમામ સ્ટેડિયમોની સુરક્ષા કરશે. ફ્રાન્સે ભારત ઉપરાંત અનેક વિદેશી દેશોના સુરક્ષાકર્મીઓની માંગણી એટલે કરી છે કારણકે આવી કોઈ પણ મોટી રમતો પર સતત આતંકવાદીઓની નજર રહેતી હોય છે. આ ઉપરાંત હાલમાં યુક્રેન અને મિડલ ઇસ્ટમાં પણ યુદ્ધ જેવું વાતાવરણ છે.
સુરક્ષાની બાબતમાં ફ્રાંસનું આ પગલું સુરક્ષાના ઇતિહાસમાં સહુથી નોંધપાત્ર ગણવામાં આવી રહ્યું છે. આ સુરક્ષામાં ભારત સહિત અન્ય દેશો પોતપોતાના દેશોના સુરક્ષાકર્મીઓને મોકલીને પેરીસ ઓલિમ્પિક્સને શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે તે સાબિત થાય છે.
અત્રે એ નોંધપાત્ર છે કે ફ્રાન્સે 2022માં કતર ખાતે આયોજિત ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાના તરફથી સુરક્ષા પૂરી પાડી હતી. આ સુરક્ષા વ્યવસ્થામાં સ્નિફર ડોગ્સ તેમજ એન્ટી ડ્રોન વિશેષજ્ઞ વગેરે પૂરા પાડવાનું સામેલ હતું.
પેરીસ ઓલિમ્પિક્સ 2024 11 ઓગસ્ટ સુધી ચાલશે અને આ રમતોનું સંચાલન સંપૂર્ણ સુરક્ષા હેઠળ થાય તે માટે ફ્રાંસ અને તેના મિત્ર દેશોની સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કાર્ય કરતી રહેશે.