ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરુણાચલ મુદ્દે ચીનની હરકત પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- ‘વાસ્તવિકતા બદલાશે નહીં’

નવી દિલ્હી, 02 એપ્રિલ: કેન્દ્રીય વિદેશ મંત્રાલયે મંગળવારે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને ફગાવી દીધો હતો. મંત્રાલયે કહ્યું કે નામ બદલવાનો પ્રયાસ એ વાતને નકારી શકે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે. ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળો માટે નવા નામોની ચોથી યાદી જાહેર કર્યા બાદ મંત્રાલયે તેનું નિવેદન જારી કર્યું છે.

મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ચીન ભારતના અરુણાચલ પ્રદેશના સ્થાનોના નામ બદલવાના પ્રયાસ પર કાયમ છે. અમે ચીનના આ પ્રયાસોને સખત રીતે નકારી કાઢ્યા છે. સ્થાનોના નામ બદલવાથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે અરુણાચલ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે.

સ્થાનિકોએ ચીનના દાવાઓને નકારી કાઢ્યા

ચીને અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલતા રાજ્યના સ્થાનિક યુવાનોએ દાવાઓ નકારી કાઢ્યા હતા. અજિત નામના એક યુવકે કહ્યું કે, ચીનનું કહેવું છે અરુણાચલ તેમનો ભાગ છે. પરંતુ એવું નથી. અરુણાચલ ભારતનો ભાગ છે અને હંમેશા રહેશે. કિશન નામના સ્થાનિકે કહ્યું કે, અરુણાચલ ક્યારેય ચીનનો હિસ્સો ન હતો અને ક્યારેય રહેશે નહીં. અરુણાચલ ભારતનું છે.

વિદેશમંત્રી જયશંકરે વળતો જવાબ આપ્યો હતો

સોમવારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના દાવાને નકારી કાઢતા કહ્યું કે નામ બદલવાથી કોઈ ફરક પડતો નથી. જો હું આજે તમારા ઘરનું નામ બદલીશ તો શું તે મારું થઈ જશે? નામ બદલવાની કોઈ અસર થતી નથી. ભારતીય સેના વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતર્ક છે.

શું છે સમગ્ર મામલો?

હાલમાં જ ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કર્યો છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે ભારતીય રાજ્યનું નામ ‘જંગનાન’ રાખ્યું અને તેને ચીનનો હિસ્સો જાહેર કર્યો અને કહ્યું કે અમે અરુણાચલ પ્રદેશને ક્યારેય ભારતના ભાગ તરીકે સ્વીકારતા નથી. આ પછી ભારતે ફરી એકવાર વાહિયાત દાવાઓને ફગાવી દીધા હતા.

આ પણ વાંચો: PM મોદીની અરુણાચલની મુલાકાત બાદ ચીન બોખલાયું, પ્રદેશના 30 સ્થળોનાં નામ બદલ્યાં

Back to top button